બનાસકાંઠા જિલ્લામાં શિયાળુ સીઝનમાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં રાયડો ઘઉં, જીરુ સહીત બટાકાનું સૌથી વધુ વાવેતર થાય છે પરંતુ આ વર્ષે બટાકાનુ વાવેતર ઘટ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ૫૮૯૦૨ હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું હતું. જેની સરખામણીમાં આ વર્ષે ૫૩૫૪૮ હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર થયું છે. જેમાં ખાસ કરીને બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ ૧૩૪૨ હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર ઘટયુ છે. શરૂઆતમાં બટાકાના બિયારણના ઊંચા ભાવો અને ખાતરની અછત તથા વધતી જતી મોંઘવારી વચ્ચે બટાકાના ભાવમાં જોવા મળતા ઉતાર ચઢાવને લીધે ખેડૂતો બટાકા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે. આ ઉપરાંત રાયડો જીરૂ અને ઘઉં જેવા પાકોના ભાવોમાં વધારો થયો છે જેથી બટાકાનો પાક બદલતા બનાસકાંઠા જિલ્લામાં બટાકાનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વ્યવસાય સાથે સંકળાયેલા કેટલાક લોકોએ આ અંગે કહ્યું હતું કે, ખેડૂતોને બટાકાના પોષણક્ષમ ભાવો નથી મળતા આ ઉપરાંત આ વર્ષે શરૂઆતમાં બટાકાના બિયારણના ઉંચા ભાવ રહેવા પામ્યા હતા તથા પોખરાજ જેવા બટાકામાં રોગની શક્યતાઓ વધતા ખેડૂતો પાકની ફેરબદલી કરી અન્ય પાકો તરફ વળ્યા હોવાથી વાવેતર વિસ્તાર ઘટયો હોવાનું અનુમાન છે.ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ ૧૩૪૨ હેક્ટર વિસ્તારમાં બટાકાનું વાવેતર ઘટયુ છે.