બનાસકાંઠાના ડીસા પાસેના જુનાડીસામાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બની એક ટોળકીએ સોની પરિવાર સાથે છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે સ્વીફ્ટ કારમાં આવેલા અજાણ્યા પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જુનાડીસા ગામે રહેતા મહેન્દ્ર સોની શ્રી રામ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. તેઓ પોતાની દીકરીના લગ્ન હોઇ સગા સંબંધીઓ પાસેથી પ્રસંગ માટે પૈસા લાવ્યા હતા અને ઘરમાં ખરીદીનો માહોલ ચાલી રહ્યો હતો.દરમિયાન મહેન્દ્રભાઈ પોતાના પરિવાર સાથે ઘરે હતા. તે સમયે સફેદ કલરની સ્વીફ્ટ કારમાં અજાણ્યા પાંચ શખ્સો તેમના ઘરે આવ્યા હતા.અને ઇન્કમટેક્સના અધિકારી તરીકેની ઓળખ આપી આઇડેન્ટિ કાર્ડ બતાવી તેમની પાસે જે કંઈ પણ દાગીના અને રોકડ હોય તે બિલ સાથે રજૂ કરવાનું કહી ટોળકીએ સોની પરિવારને ડરાવ્યો હતો. અચાનક ઇન્કમટેક્સના અધિકારીઓની રેડથી ડરી ગયેલા પરિવારે તરત જ તેમના ઘરમાં પડેલા ચાંદી અને રોકડ સહિત 4.35 લાખ રૂપિયા તેમને સોંપી દીધા હતા.

ત્યારબાદ નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલી ટોળકી તેમની પાસેથી દાગીના અને રોકડ લઈ મહેન્દ્રને પાલનપુર ઇન્કમટેક્સની ઓફિસે આવી બિલ બતાવી તેમનો સામાન પરત લઈ જવા જણાવી આ શખ્સો ફરાર થઈ ગયા હતા. જ્યારે બીજા દિવસે સવારે મહેન્દ્રભાઈ સોની પાલનપુર ખાતે આવેલી ઇન્કમટેક્સની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમના ઘરે આવેલા શખ્સો નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા જ તેમને તરત ડીસા તાલુકા પોલીસ મથકે પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાને પગલે પોલીસે નકલી ઇન્કમટેક્સ અધિકારીઓ બનીને આવેલા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.