ધાનેરાના ગોલા ગામનો યુવક રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામમાં ખેતી કરતો હતો. ત્યારે આ યુવકની હત્યા કરાયેલી લાશ ગુરુવારે સાંચોર તાલુકાના સુરાવા ગામ નજીક રસ્તાની સાઇડમાં પડેલી મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. જે અંગેની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજસ્થાનના સાંચોર તાલુકાના સુરાવા ગામ નજીક ગુરુવારે એક યુવકની હત્યા કરાયેલી લાશ રસ્તાની સાઇડમાં પડેલી જોવા મળતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જયારે લોકોએ સાંચોર પોલીસને જાણ કરતાં સાંચોરના થાણાધિકારી પ્રતાપસિંહ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આ લાશની ઓળખ કરતાં આ લાશ ધાનેરા તાલુકાના ગોલા ગામમાં રહેતાં આલમખાન મહમંદખાન મુસ્લા (ઉં.વ. આ. 45) ની હોવાની અને રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામમાં ખેતી કરતો હોવાની જાણ થઇ હતી.
જાણકારી મળતાં પોલીસે ગોલા ગામમાં તેના પરિવારજનોને આ બાબતની જાણ કરી હતી અને તેના પરિવારજનો આવતાં આ યુવકની લાશને પી.એમ. અર્થે સાંચોર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મૃતકના ભાઇ રસુલખાન મહંમદખાન મુસ્લાએ સાંચોર પોલીસ મથકે અજાણ્યા શખ્સે આલમખાનની હત્યા કરી હોવા બાબતની ફરિયાદ નોંધાવી હતી. સાંચોરના ડી.વાય.એસ.પી. રૂપસિંહ પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને તમામ લોકોને સમજાવ્યા હતા. પોલીસ દ્વારા હત્યારાને જલ્દી ઝડપી પાડવાની ખાત્રી આપતાં મામલો થાળે પડયો હતો અને લાશનું પી.એમ. કરાવીને લાશને દફનવિધી અર્થે ધાનેરાના ગોલા ગામમાં ખસેડાઇ હતી.