ભૂગર્ભ જળના સ્તર નીચા જતાં તેને રીચાર્જ દ્વારા ઉપર લાવવાની કેન્દ્ર સરકારની અટલ ભૂજલ યોજનાનું બનાસકાંઠા જીલ્લામાં ડીસા તાલુકાના માલગઢના મામાનગરમાં ડીસાના ધારાસભ્યે ખાતમુહૂર્ત કરાવી પ્રારંભ કર્યો હતો. જેના થકી આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોને પાણીના તળ ઉંચા આવતાં વર્ષે લાખો રૂપિયાનો ફાયદો થશે.
કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય દ્વારા દેશમાં જ્યાં ભૂગર્ભ જળનું સ્તર ઘણું જ નીચે ઉતરી ગયેલું છે અને ભૂગર્ભ જળના રીચાર્જ કરતાં પાણી ખેંચવાનું પ્રમાણ ઘણું વધારે છે. તેવા વિસ્તારોમાં આધુનિક રીચાર્જ પદ્ધતિથી ભૂગર્ભ જળ ઉંચુ લાવવા અટલ ભૂજલ યોજના અમલમાં મૂકાઇ છે. જેનો બનાસકાંઠા જીલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ ડીસા તાલુકાના માલગઢના મામાનગરમાં રીચાર્જ બોરનું ખાતમુહૂર્ત કરી તેનો પ્રારંભ કર્યો હતો.
આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઇ માળીએ જણાવ્યું હતું કે, 'ઉત્તર ગુજરાતના 6 જીલ્લામાં સુજલામ-સુફલામ યોજના અંતર્ગત જે તળાવ ભરવામાં આવે છે. જયારે ચોમાસામાં વધારાનું વહી જતું પાણી પુનઃ જમીનમાં ઉતારવા અટલ ભૂજલ યોજના બનાવી છે. જેમાં આધુનિક પદ્ધતિથી રીચાર્જ બોર કરી ફેઝો મીટર દ્વારા લેવલ ચેક કરી કચરો ન જાય તે રીતે પ્યોર પાણી એક્વાફાયર લેવલ સુધી પહોંચે તેવી રીતે આધુનિક પદ્ધતિથી રીચાર્જ કરી જમીનમાં ઉતારવામાં આવે છે.'
આ યોજનાનો બનાસકાંઠા જીલ્લામાં ડીસાના માલગઢ ગામના મામાનગરથી પ્રારંભ થયો છે. ત્યારે આ યોજનાથી સમગ્ર વિસ્તારમાં ભૂગર્ભ જળ ઉંચા આવશે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થશે. આ પ્રસંગે વેર હાઉસિંગ બોર્ડના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ગામના સરપંચ ગટુબેન ભેરાજી સુંદેશા, યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેર ડી.બી. દેસાઇ, એગ્રી એક્સપર્ટ જીમિત પટેલ, હાઇડ્રોલોજીસ્ટ કમલેશભાઇ ગેલોત, નાયબ કાર્યપાલક ઇજનેર એન.એસ. ઉપાધ્યાય અને માતૃભૂમિ ફાઉન્ડેશન ટ્રસ્ટના આર.જે. પટેલ સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.