ભુજ,સ્નેહ સંમેલનો સામાજિક સંવાદનું શ્રેષ્ઠ માધ્યમ છે તેવું મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘના 19મા સ્નેહમિલન પ્રસંગે બોલતાં અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. આ સંમેલનમાં ઉપસ્થિત રાજકીય અને સામાજિક આગેવાનોએ જીવનમાં સફળતા મેળવવા માટેના સોનેરી સૂચનો આપી હકારાત્મકતા કેળવવા અને આત્મવિશ્વાસ વધારવા માટે નિયમિત કસરત કરવા અને સમાજ સંગઠનને મજબૂત બનાવવાનું આહ્વાન કરાયું હતું. આ અવસરે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી અને જૈન યૂથ ફોરમના સ્થાપક ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયાએ ક.વી.ઓ. કચ્છમાં પાછા ફરે અને' યુ-ટર્ન લઇને ધંધો-રોજગાર કચ્છમાં જમાવે તેવી હાકલ કરી હતી.મધ્યપ્રદેશ છત્તીસગઢ કચ્છી વીસા ઓસવાળ જૈન સંઘનું 19મું સ્નેહ સંમેલન સુજાલપુરના કાન્હા કા વૃંદાવનના આંગણે સુજાલપુર, કાલા પીપલ, અકોદિયા કચ્છી જૈન સંઘના સંયુકત નેજા હેઠળ ઊજવાયું હતું.આ સ્નેહ સંમેલનની શરૂઆત માર્ચપાસ્ટથી થઇ હતી, જેમાં સુજાલપુર-કાલા પીપલ- અકોદિયા, છીંદવાડા, ગંજ બાસોદા, ઇન્દોર, ભોપાલ, સેંધવા, કાલી સીંધ, પિપરિયા, રાયપુર-દુર્ગ-ભિલાઇ, અબ્દુલાગંજ, જબલપુર વગેરેથી આવેલા સમાજજનો જોડાયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ મધ્યપ્રદેશના શિક્ષણમંત્રી' ઇન્દરસિંહ પરમાર, કાલા પીપલના ધારાસભ્ય કુણાલ ચૌધરી, બબીતાજી પરમાર (અધ્યક્ષ નગરપાલિકા પરિષદ સુજાલપુર), અનિલભાઇ રતનશીભાઇ ગોસર (એમઆરસીસી ગ્રુપ) યુએસએ, સૌરાષ્ટ્ર ટ્રસ્ટના યુવા ટ્રસ્ટી અને જૈન યૂથ ફોરમના ફાઉન્ડર ટ્રસ્ટી હાર્દિકભાઇ મામણિયા વગેરેને સંઘના અધ્યક્ષ શાંતિલાલભાઇ ધનજીભાઇ ગડા તેમજ સુજાલપુર સંઘના અધ્યક્ષ હર્ષદભાઇ દેઢિયા, કાલા પીપલ સંઘના અધ્યક્ષ હંસરાજભાઇ ગડા, અકોદિયા સંઘના અધ્યક્ષ ગિરીશભાઇ શહાનંદ તથા કાર્યકારિણી ટીમ દ્વારા સ્વાગત કરાયું હતું. બાય ધ યૂથ, ફોર ધ યૂથની થીમ સાથે સુજાલપુર-કાલા પીપલ- અકોદિયાની યુવા ટીમ દ્વારા યુવાનો માટે ફન ગેમ્સ, હેલ્ધી કમ્યુનિકેશન, ટીમ બિલ્ડિંગ ગેમ્સનું આયોજન કરાયું, જેમાં યુવાવર્ગ ઉત્સાહભેર જોડાયો હતો. શાંતિલાલભાઇ ગડાએ સૌને શબ્દોથી આવકાર આપ્યો હતો. હાર્દિકભાઇ મામણિયાએ મોટિવેશનલ સ્પીચ આપી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. અનિલભાઇ ગોસરે જીવનમાં સફળતા મેળવવા શું કરવું જોઇએ તેની વિસ્તૃત માહિતી આપી હતી. રાસ-ગરબા હરીફાઇમાં' સૌ પારંપારિક વેશભૂષામાં સજ્જ થઇ ગરબે ઘૂમ્યા હતા. સંમેલનના બીજા દિવસો આરંભે વિવિધ રમતો રમાડવામાં આવી હતી.આગામી વર્ષ માટેના નવા પદાધિકારીઓની ચૂંટણી સાથે ખુલ્લા મંચ કાર્યક્રમમાં સૌએ પોતપોતાના સૂચનો રજૂ કર્યા હતા. યુવાનો માટેના ખાસ સત્રમાં હાર્દિકભાઇ મામણિયાએ પોઝિટીવિટી, આત્મવિશ્વાસ વધારવા માટે એક્સરસાઇઝ કરાવી વિશેષ ટિપ્સ આપી રૂપાબેને યુવાનો સાથે સંવાદ કરી આ સંમેલન કાર્યક્રમમાં તેમનો કેવો અનુભવ રહ્યો, નવું શું શિખ્યા વગેરે મુદ્દે વાર્તાલાપ કર્યો હતો. સચિવ ધીરેશભાઇ દેઢિયા, મહિલા' પ્રકોષ્ઠ શ્રીમતી ગ્રીષ્માબેન નાગડાએ સર્વેનો આભાર માન્યો હતો. સંચાલન રૂપાબેન ગડા દ્વારા કરાયું હતું. સુજાલપુર-કાલા પીપલ, અકોદિયાના કાર્યકર્તાઓએ કાર્યક્રમને ઐતિહાસિક સફળતા આપવા ઉત્કૃષ્ટ પ્રયાસો કર્યા હતા.