બૃહદ મુંબઇ ગુજરાતી સમાજ સંચાલિત ગુજરાત ભવન હવેથી `નવનીત ગુજરાતી સમાજ ભવન' તરીકે ઓળખાશે. કચ્છના જાણીતા નવનીત પરિવાર સ્થાપિત નવનીત ફાઉન્ડેશન તરફથી માતબર રકમનું દાન મળતાં સમાજ દ્વારા ભવનનું નામકરણ કરવામાં આવ્યું છે.બૃહદ મુંબઇ ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજભાઇ શાહે દાન માટે વિનંતી કરી હતી. સમાજના ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોની બેઠક ઓશિવરા લીંક રોડ પર આવેલા ગુજરાત સમાજ ભવન ખાતે યોજાઇ હતી. જેમાં નવનીત પરિવારના સદસ્ય અનિલભાઇ ડુંગરશી ગાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિનંતીનો સ્વીકાર કર્યો હતો જેને ઉપસ્થિત સર્વેએ વધાવી લઇને આનંદ વ્યક્ત કર્યો હતો.
કચ્છના રાયણના નવનીત પરિવારના નવનીત ફાઉન્ડેશન તરફથી આરોગ્ય, શિક્ષણ, એનિમલ અને જ્ઞાતિ ઉત્કર્ષના ક્ષેત્રે પાંચ દાયકાથી દાનની ગંગા વહાવી છે. આરોગ્ય સેવા ક્ષેત્રે નવનીત હાઇટેક હોસ્પિટલ-દહીંસર, નવનીત ડાયાલિસીસ સેન્ટર-બોરીવલી, નવનીત જનરલ હોસ્પિટલ-મીરાં રોડ, નવનીત હોસ્પિટલ-નાલાસોપારા, હીરા-મોંઘી નવનીત હોસ્પિટલ-મુલુંડ, નવનીત રિસર્ચ હોસ્પિટલ એન્ડ ડાયાલિસીસ સેન્ટર, માંડવી-કચ્છ, નવનીત ઓપરેશન થિયેટર-કચ્છ, નવનીત જૈન હેલ્થ સેન્ટર-દાદરનો સમાવેશ થાય છે.જ્ઞાતિ ઉત્કર્ષ માટે ડોમ્બીવલી અને રાયણ-કચ્છમાં નવનીત નગર એનિમલ વેલ્ફેરમાં નવનીત ઓડિટોરિયમ અને હેલ્થકેર ફેસિલિટી ફોર એનિમલ (કચ્છ-પ્રાગપર) તો શિક્ષણ ક્ષેત્રે બે લાખ બાળકો અને યુવાનોને મદદ કરી છે. 50 હજાર બાળકોને એજ્યુકેશન કિટ્સ આપી છે.
શિક્ષકોને અપગ્રેડેશન માટે ટ્રેનિંગ અને વર્કશોપ કર્યા છે, જેનો 15 હજારથી વધુ શિક્ષકોને લાભ મળ્યો છે. કચ્છમાં માંડવી નજીક નવનીત સિવિલ એન્જિનિયરિંગ કોલેજ, વીરાયતન વિદ્યાપીઠ સ્કૂલ અને કોલેજ કેમ્પસ માટે દાન આપ્યું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટને દાન આપ્યું છે. એ જ રીતે અમદાવાદમાં પણ હેલ્થ સેન્ટર ચાલે છે.
નવનીત પરિવાર તરફથી 1984થી રાયણમાં દરરોજ 400 પરિવારોને વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે. 7મી જાન્યુઆરીએ યોજાનારા સમારોહમાં ગિરનાર એવોર્ડથી સન્માન કરવામાં આવશે.