રાઠવા જાતિના પ્રમાણપત્ર બાબતે તકલીફ પડતી હોવાના કારણે તાજેતરમાં જ સરકાર દ્વારા નવીન પરિપત્ર બનાવી રાઠવા, રાઠવા કોળી, કોળી રાઠવા તમામને " રાઠવા " ગણી પ્રમાણપત્ર કાઢી આપવા નો પરિપત્ર બનતા પાવીજેતપુર તાલુકા ની આદિવાસી જનતામાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી. 

              પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાય સમયથી પાવીજેતપુર તાલુકાના આદિવાસીઓને અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર મેળવવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમજ નોકરી કરતા કર્મચારીઓના પ્રમાણપત્રોને ખરાઈ કરવામાં ઘણી તકલીફો પડતી હતી ત્યારે આદિવાસી સમાજના બંને પક્ષના નેતાઓ એક થઈ ઉચ્ચકક્ષાએ રજૂઆતો કરતા ૪ ઓગસ્ટ ના રોજ પરિપત્ર થતાં પાવીજેતપુર તાલુકાના આદિવાસીઓમાં ખૂબ જ આનંદની લહર પ્રસરી જવા પામી છે. 

               પાવીજેતપુર તાલુકાના ભાજપ કોંગ્રેસ આદિવાસી નેતાઓ દ્વારા મહેનત કરાતા તાજેતરમાં જ નવીન બનેલા પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે " સક્ષમ અધિકારીએ અનુ.જનજાતિના પ્રમાણપત્ર આપતી વખતે તા .૧૪ / ૭ / ૧૯૮૨ ના પત્ર અને તા .૨૦ / ૧૨ / ૧૯૮૬ ના પરિપત્રથી આપવામાં આવેલી સુચનાઓ ધ્યાનમાં રાખી રાઠવા , કોળી રાઠવા કે રાઠવા કોળી આ શબ્દોનો પહેલાંથી પ્રયોગ થતો આવ્યો છે જેથી તેઓને રાઠવા તરીકે ગણીને તેમને અનુ.જનજાતિના પ્રમાણપત્ર આપવાના રહેશે . વધુમાં , અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર કાઢી આપવા રાઠવા , રાઠવા કોળી અને કોળી રાઠવા શબ્દો પ્રયોજેલ હોય તેવા ઉમેદવાર દ્વારા અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર મેળવવા અરજી કરેલ હોય તો માત્ર રેવન્યુ રેકર્ડ કે અન્ય પુરાવાઓમાં પ્રયોજાયેલ જાતિ વિષયક શબ્દને બદલે તેઓની પરંપરા , સામાજિક ધાર્મિક રીતિરિવાજો , સંસ્કૃતિ , દેવદેવીઓ , ઉત્સવોની ઉજવણી , પહેરવેશ , શારીરિક બાંધો વગેરેનો આધાર લઈ તેમજ ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલ એફિડેવિટ , બોલી , લગ્નસંબંધો વગેરે બાબતે અરજદારશ્રી દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓની ચકાસણી કરી જો ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલ પુરાવાઓ પૈકી જાતિ પ્રસ્થાપિત કરતાં હોય તેવા પુરાવાઓથી ઉમેદવારની જાતિ રાઠવા પ્રસ્થાપિત થતી હોય તો તે બાબત ધ્યાને લઈ અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર કાઢી આપવા તેમજ ખરાઈ માટે સંબંધિતોને જરૂરી સૂચના આપવામાં આવે છે.

      આમ, નવીન પરિપત્ર બનતા પાવીજેતપુર તાલુકાની આદિવાસી જનતા ખૂબ ખૂબ ખુશાલ થઈ ગઈ હતી તેમજ ડીજેના તાલે જૂમી ઉપસ્થિત નેતાઓનો ફુલહાર કરી સ્વાગત કરી, આભાર માન્યો હતો.