ડીસા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં અનેક ફેક્ટરીઓમાં ખાદ્યચીજોમાં ભેળસેળ અને ડુપ્લીકેટીંગ થતું હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડા પાડયા હતા. જેમાં એક મસાલાની ફેક્ટરીમાં દરોડા પાડી મરચા અને હળદરના સેમ્પલ લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, છેલ્લા ઘણા સમયથી ડીસામાં ઘી, તેલ, મરચું, હળદર સહીતની ખાદ્યચીજો અને બીડી, માચીસ, કોસ્મેટીક આઇટમો સહીત અનેક ચીજ વસ્તુઓની બનાવટમાં ભેળસેળ અને ડુપ્લીકેટીંગ કરવામાં આવતું હોવાની વારંવાર ફરિયાદો ઉઠે છે. ત્યારે ડીસાના જાગૃત નાગરિકે આ બાબતે ફરિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરી હતી. જેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ડીસા જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આવેલી બહુચર ફૂડ પ્રોડક્ટ નામની મસાલા ફેક્ટરીમાં ઓચિંતો દરોડો પાડયો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફેક્ટરીમાંથી મરચા અને હળદરના સેમ્પલ લઇ કેટલોક જથ્થો સીઝ કર્યો હતો.
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઇન્સ્પેક્ટર એમ.એલ. ગુર્જરે જણાવ્યું હતું કે, 'ખાદ્યચીજોમાં ભેળસેળ થતું હોવાની ફરિયાદના આધારે બહુચર ફૂડ પ્રોડક્ટ નામની મસાલા ફેક્ટરીમાં તપાસ હાથ ધરી મરચા અને હળદરના સેમ્પલ લેવાયા છે. આ સેમ્પલ લેબોરેટરી ચકાસણી અર્થે મોકલવામાં આવશે જેના રીપોર્ટના આધારે આગળની તપાસ હાથ ધરાશે.'