બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના વાસણાના એક ખેડૂતે ખેતરમાં બિનઉપયોગી એવી શેઢાની જમીન પર સરગવો વાવી લાખો રૂપિયાની કમાણી મેળવી રહ્યો છે. કોઇપણ જાતના ખાતર, બિયારણ, દવા કે વધારાનું પાણી આપ્યા વગર ખેડૂતે વધારાની આવકનો નવો સોર્સ ઉભો કર્યો છે. તે યુવા ખેડૂત અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યો છે.
આ અંગે પ્રગતિશીલ યુવા ખેડૂત શિવભાઇ પટેલે જણાવ્યું હતું કે, 'શરૂઆતમાં હું રૂટીન ખેતી કરતો હતો. પરંતુ એમાં ક્યારેક નુકશાન તો ક્યારેક ફાયદો થતો હતો. જેથી મેં અમારા ખેતરમાં ફાજલ પડેલી શેઢાવાળી જગ્યા પર સરગવાનું વાવેતર કર્યું હતું. આ સરગવામાં કોઇપણ પ્રકારના ખાતર, બિયારણ, દવા કે અલગથી પાણી આપવાની જરૂરત રહેતી નથી. અત્યારે મારા ખેતરમાં બટાટાનું વાવેતર કરેલું છે અને એમાં ફૂવારા દ્વારા આપવામાં આવતું પાણી શેઢા પર વાવેલા સરગવાને પણ મળી રહે છે. સરગવાની ડાળીનો એક ટુકડો વાવી દઇએ એટલે એક વર્ષમાં તેના પર ફળીઓ આવવાનું શરૂ થઇ જાય છે. એટલું જ નહીં પરંતુ એના વેચાણ માટે પણ ક્યાંય જવાની જરૂર રહેતી નથી. વેપારીઓ ખેતરમાં આવી છોડ પરથી ફળીઓ ઉતારીને લઇ જાય છે. જેથી કોઇપણ પ્રકારનો લેબર ચાર્જ પણ ચૂકવવો પડતો નથી. અહીંથી વેપારી સરગવો લઇ ગયા બાદ બહાર એક્સપોર્ટ કરતાં હોય છે. આ સરગવાનો આયુર્વેદની દવામાં પણ ઘણો ઉપયોગ થાય છે.'
ડીસા તાલુકાના વાસણા ગામમાં રહેતો શિવભાઇ પટેલે (ઉં.વ. આ. 26) બી.એસ.સી. કેમિસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. આમ તો સામાન્ય રીતે ઉચ્ચ અભ્યાસ કરી લોકો નોકરી મેળવવા માટે પ્રયાસો કરતાં હોય છે પરંતુ આ યુવાને નોકરીને બદલે ખેતીનો વ્યવસાય પસંદ કર્યો હતો. આ ખેડૂતે પોતાની આવડત અને સૂઝબૂઝથી ન માત્ર અત્યારે પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. પરંતુ તેના ખેતરમાં બિનઉપયોગી જમીનનો પણ ઉપયોગ કરી લાખોની આવક મેળવી રહ્યો છે.
શિવભાઇ પટેલ પાસે અત્યારે 16 વીઘા જેટલી જમીન છે. આ જમીનમાં તેઓ સામાન્ય રીતે બટાટા, મગફળી, શક્કરટેટી સહીત વિવિધ શાકભાજીનું વાવેતર કરે છે. તે દરમિયાન એક દિવસ તેણે ખેતરમાં શેઢાની બિનઉપયોગી અને ફાજલ જમીન જોઇને એનો પણ ઉપયોગ કરવાનો વિચાર કર્યો હતો. આ અંગે વિચાર કર્યાં બાદ શેઢા પર સરગવાના 25 થી 30 જેટલાં છોડ વાવ્યા હતા. જેમાં બીજા વર્ષથી જ સરગવાના છોડ પર ફૂલ આવવા લાગ્યા હતા. જેમાંથી પ્રથમ વર્ષે તેણે એકાદ લાખ રૂપિયા જેટલી આવક મેળવી હતી.
ત્યારબાદ બીજા વર્ષે વધુથી 35 છોડ વાવી અત્યારે 65 જેટલાં છોડ તેના ખેતરના શેઢે વાવ્યા છે. જેમાંથી તે દર વર્ષે અંદાજીત રૂ. 2,00,000 જેટલી વધારાની આવક મેળવે છે. સરગવાના એક છોડ પર વર્ષ દરમિયાન 100 કિલો જેટલી સરગવાની સીંગો આવે છે અને અત્યારે એવરેજ રૂ. 50 કિલોના ભાવે તે માર્કેટમાં વેચાય છે.
શરૂઆતમાં તેણે સરગવો વેચવા માટે બહારના માર્કેટમાં જવું પડતું હતું. પરંતુ હવે તો વેપારીઓ તેમના ખેતરમાં આવીને જાતે જ સિંગો ઉતારીને લઇ જાય છે. જેથી આ પ્રગતિશીલ ખેડૂત ખેતરમાં પડેલી ફાજલ જમીન પર ખાતર, બિયારણ, દવાનો છંટકાવ કે વધારાનું પાણી આપ્યા વગર દર વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યો છે. જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે.