પાલનપુર થી અમીરગઢ જવા પૂરતી બસ ન મળતા વિદ્યાર્થીઓ નું બસપોર્ટ પર વિરોધ પ્રદર્શન..
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અને અમીરગઢ વચ્ચે દરરોજ અપડાઉન કરતા વિદ્યાર્થીઓને સવાર-સાંજ આવવા-જવા માટે પૂરતી એસટી બસ મળતી ન હોવાના કારણે આજે વિદ્યાર્થીઓએ પાલનપુર બસપોર્ટ પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. બસપોર્ટ પર 100 જેટલા વિદ્યાર્થીઓ હોવા છતા 30 સીટર બસ મૂકાતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા અને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો..
પાલનપુર બસપોર્ટ પર વિરોધ પ્રદર્શિત કરી રહેલા વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, પાલનપુર અને અમીરગઢ વચ્ચે અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ પાસ કઢાવેલા છે. પાસનો આંકડો એસટી વિભાગને ખબર છે..
તેમ છતાં સંખ્યાના આધારે બસની ફાળવણી કરવામાં આવતી નથી. આ મામલે અવારનવાર ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા આજે ચક્કાજામ કરવો પડ્યો હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું..
આજે પાલનપુરથી અમીરગઢ જવા માટે 100 જેટલા વિદ્યાર્થીઓ બસપોર્ટ પર હાજર હતા. ત્યારે પાલનપુર એસટી વિભાગ દ્વારા ફક્ત 30 સીટર બસ મૂકાતા બસમાં પગ મૂકવાની જગ્યા પણ બચી ન હતી. જેથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. છેલ્લા કેટલાય સમયથી સમસ્યાનો સામનો કરી રહેલા વિદ્યાર્થીઓએ આજે પાલનપુર બસપોર્ટ પર બેસી ગયા હતા અને ચક્કાજામ કરી રોષ વ્યકત કર્યો હતો.