સુરતઃશુક્રવારઃ સુરત જિલ્લા પંચાયત અને મહિલા બાળવિકાસ વિભાગ દ્વારા “કિશોરી કુશળ બનો” હેઠળ આયોજીત “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાનું આયોજન કિશોરીઓના વિકાસ અને સશક્તિકરણ માટે લેવામાં આવનારૂ એક અનેરું પગલું ગણી શકાય કે જેના પરિણામે કિશોરીઓ પોતાના આવનાર ભવિષ્યમાં પોતે જાતે જ પગભર થઇ શકશે, સ્વ-બચાવ કરી શકશે તેમજ સ્વસ્થ જીવનની દિશામાં વિશ્વાસપૂર્વક પગલાં પાડી શકશે.મેળા બારડોલી અને ચોર્યાસી તાલુકામા તા.૩૧-૧૨-૨૦૨૨ ના રોજ,પલસાણા,કામરેજ અને માંગરોળ તાલુકામા તા.૦૨-૦૧-૨૦૨૩ ના રોજ,માંડવી અને ઓલપાડ તાલુકામા તા-૦૩-૦૧-૨૦૨૩ના રોજ તેમજ મહુવા તાલુકામા તા-૦૫-૦૧-૨૦૨૩ના રોજ તાલુકા કક્ષાએ યોજવામાં આવશે એમ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવાયું હતું.

               સુરત જિલ્લા મહિલા અને બાળવિકાસ અધિકારીશ્રી દ્વારા જણાવ્યું હતું કે, “કિશોરી કુશળ બનો” હેઠળ આયોજીત “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળામાં કિશોરીઓની સુરક્ષા અને સશક્તિકરણ,વિવિધ યોજનાની જાણકારી,આંગણવાડીમાં નિયમિત આવવાના લાભ,પોષણ,પોષણ અને આરોગ્ય શિક્ષણ,ઘરેલું હિંસા વિશે માહિતગાર કરવા તેમજ દિકરા-દિકરી વચ્ચેના ભેદભાવને દુર કરવા જેવા મુખ્ય વિષયોને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાશે. આ સિવાય શિક્ષણનું મહત્વ,અનિમિયાના નિવારણ માટે લેવાના પગલાં,સ્વ-બચાવની તાલીમ,અગત્યની યોજનાની વિસ્તૃત સમજ આપવા સેમિનારનું આયોજન કરવામાં આવશે.મેળામાં વિશિષ્ઠ પ્રકારના જુદા-જુદા સરકારી વિભાગો દ્રારા સ્ટોલ ઉભા કરવામાં આવશે.

              મહિલા અને બાળ વિકાસ વિભાગ હસ્તક આઈ.સી.ડી.એસ ખાતે હેઠળ “પૂર્ણા” યોજના તથા મહિલા કલ્યાણ પ્રભાગ હેઠળ વર્ષ ૨૦૧૫ થી “બેટી બચાવો બેટી પઢાવો” યોજના તથા “વહાલી દીકરી યોજના” વર્ષ ૨૦૧૯થી કાર્યાન્વિત છે. તમામ યોજનાઓના સૂચકાંકમાં દીકરી જન્મને પ્રોત્સાહન,દિકરીઓના શિક્ષણ,પોષણ,બાળલગ્ન પ્રતિબંધ,સલામતી અને સુરક્ષા મુખ્ય હોવાથી યોજનાઓના સંકલનમાં ભારત સરકારની થીમ “કિશોરી કુશળ બનો” હેઠળ તાલુકા કક્ષાએ “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન” મેળાના આયોજનની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભરત.કે.વસાવાના અધ્યક્ષતામાં તા.૨૮-૧૨-૨૦૨૨ના રોજ યોજવામાં હતી.જેમાં જુદા જુદા વિભાગોને મેળાના આયોજન બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.