ગાંધીનગરના રણાસણ રેલવે ફાટક પાસે આવેલા DTDC કુરિયર કંપનીના ગોડાઉનમાં જયપુરથી અમદાવાદના રાયપુર ભજીયા હાઉસ ખાતે મોકલવામાં આવેલા પાર્સલ કોઈ કારણસર પડી ગયાં હતા. જેનાં કારણે પાર્સલની આડમાં સંતાડેલ દારૂની બોટલો ફૂટી જતાં બુટલેગરોનાં મનસુબા પર પાણી ફરી વળ્યું હતું. આ બનાવની જાણ થતાં ડભોડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ તપાસ કરતાં વિદેશી દારૂની 81 બોટલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરો પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે નિત નવા પેતરા અજમાવતા રહેતાં હોય છે. આવો જ એક બનાવ ડભોડા પોલીસ મથક નાં ચોપડે નોંધવામાં આવ્યો છે. DTDC કુરિયર કંપનીની રાજસ્થાનના જયપુર આવેલી વૈશાલીનગર બ્રાંચ (ખોખરા બ્રાંચ A-11) થી ભૂપતભાઈનાં નામે અમદાવાદનાં રાયપુર ભજીયા હાઉસનાં સરનામે છ જેટલાં પાર્સલ મોકલવામાં આવ્યા હતા.
આ પાર્સલો અન્ય પાર્સલોની સાથે ગાંધીનગરના રણાસણ રેલવે ફાટક પાસે આવેલ ડી.ટી.ડી.સી. કુરીયરના ગોડાઉનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં કોઈ કારણસર પાર્સલો પડી ગયા હતા. જેનાં કારણે અંદર સંતાડેલ વિદેશી દારૂની બોટલો ફૂટી જતાં દારૂની ધારાઓ વહેવા લાગી હતી. આ મામલે ગોડાઉનનાં હબ ઈન્ચાર્જ કુણાલ મકવાણાએ ડભોડા પોલીસને શંકાસ્પદ પાર્સલોમાંથી વિદેશી દારૂની પુષ્કળ વાસ આવતી હોવાની જાણકારી આપી હતી.
જેનાં પગલે ડભોડા પોલીસ મથકના પીએસઆઇ અનિલ વછેટાની ટીમ તાત્કાલિક ઉક્ત ગોડાઉન ખાતે દોડી જઈ તપાસનો દોર શરૂ કરતાં છ પાર્સલ ઉપર ભૂપતભાઈ સુખરામનગર, રાયપુર ભજીયા હાઉસનાં સ્ટીકર મારેલા હતા. જેની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની 81 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે અન્ય બોટલો તૂટી ગયેલી હાલતમાં હતી. આ અંગે ડભોડા પોલીસે ભૂપતભાઈ નામના ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી રૂ. 40 હજાર 500 ની કિંમતની દારૃની બોટલો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.