વડાપ્રધાન નરેન્દ્રમોદી ની માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. હાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. વડાપ્રધાન દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યાં હતાં. ત્યાંથી જ તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં માતાની ખબર પૂછવા પહોંચ્યા હતાં. વડાપ્રધાન હોસ્પિટલમાં ડોક્ટરો સાથે હીરાબાની તબિયત અંગે માહિતી મેળવી હતી. આ દરમિયાન ત્રણેય ભાઈઓ, નરેન્દ્ર ભાઈ, પંકજભાઈ અને સોમાભાઈ હોસ્પિટલમાં હાજર હતાં. હીરાબાની તબિયત સુધારા પર છે અને તેમના તમામ રીપોર્ટ્સ નોર્મલ આવ્યાં છે. હવે વડાપ્રધાન મોદી હોસ્પિટલથી દિલ્હી જવા રવાના થયાં છે. તેઓ દોઢેક કલાક સુધી હોસ્પિટલમાં રોકાયા હતાં. 

તમામ મંત્રીઓને હોસ્પિટલમાં નહીં જવા સૂચના

હોસ્પિટલમાં ધારાસભ્યો, અધિકારીઓ અને મંત્રીઓ પહોંચતા જ તમામ મંત્રીઓને હોસ્પિટલમાં હીરાબાની ખબર અંતર પુછવા માટે હોસ્પિટલમાં નહીં જવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ઋષિકેષ પટેલ આરોગ્યમંત્રી હોવાથી તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યાં છે. પરંતુ મંત્રીઓ અને ધારાસભ્યો સહિત અધિકારીઓની સંખ્યા વધી જતાં તેમને હોસ્પિટલમાં નહીં જવા સૂચના આપી દેવામાં આવી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ હોસ્પિટલ પહોંચી ગયાં છે. વડાપ્રધાન માતાની ખબર અંતર પુછી રહ્યાં છે. 6 ડોક્ટરોની ટીમ હીરાબાની સારવારમાં જોડાઈ છે. 

ઝોન-4ના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો

અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનના આગમનને લઈને તૈયારીઓ કરી દેવાઈ છે. ગુજસેલ ટર્મિનલ ખાતે વડાપ્રધાનની ગાડીઓનો કાફલો પહોંચી ગયો છે. સરદાર નગર પોલીસ સ્ટેશન, શાહિબાગ પોલીસ સ્ટેશન સહિત ઝોન-4ના પોલીસ સ્ટેશનનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાઈ ગયો છે. ગુજસેલ ટર્મિનલ ખાતે VVIP બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એરપોર્ટથી યુ એન મહેતા હોસ્પિટલ સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 

અમદાવાદમાં નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું

બીજી તરફ વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા હોવાથી પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સૂત્રો મુજબ એવું પણ જણાવાઈ રહ્યું છે કે બપોરે 2 વાગ્યાની આસપાસ વડાપ્રધાન મોદી અમદાવાદ માતાની ખબર જાણવા આવી રહ્યાં છે. અમદાવાદમાં પોલીસ દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને નો ડ્રોન ફ્લાય ઝોનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.