રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ દ્વારા આયોજીત ડ્રોન ટેકનોલોજી ઇફકો નેના યુરિયા છટકાવ યોજનાનો પ્રારંભ થયો છે. મહીસાગર જિલ્લામાં કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેક્નોલોજીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. ખેતરના પાકમાં ડ્રોન વડે દવા છંટકાવ કરવાની સરકારની ખેડૂત હિતલક્ષી યોજનાની શરૂઆત બાદ મહીસાગર જીલ્લામાં ૧૧૮ ખેડૂતોએ ૧૯૮ એકરમાં નેનો યુરિયા દ્વારા પોતાના ખેતી પાકોમાં ડ્રોન વડે છંટકાવ કરવાની એક માસ અગાઉ શરૂઆત કરી હતી. જેની જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારી જે આર પટેલના માર્ગદર્શનમાં મદદનીશ ખેતી નિયામક સાજીદભાઈ વ્હોરા ગ્રામ સેવક, ઇફકોના પ્રતિનિધિ સહિતની ટીમે બાલાસિનોર તાલુકાના જેઠોલી અને વીરપુર તાલુકાના નાસરોલી ખેડૂતોની મુલાકાત લીધી હતી. બાલાસિનોર તાલુકાના જેઠોલી ખાતે જે ખેતરમાં એક માસ અગાઉ નેનો યુરિયા નો છંટકાવ કર્યો તે ખેતરોમાં ખેડૂતોને સાથે રાખી નેનો યુરિયાના ઉપયોગથી ખેતીપાકના છોડ પર થયેલ સારા પરિવર્તન અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેઠોલી ગામના ખેડૂત કાંતિભાઈ પટેલે પોતાના ખેતરમાં સારું પરિણામ મળતા ખેડૂતોએ અન્ય ખેડૂતોને નેનો યુરિયાનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. વિરપુર તાલુકાના નાસરોલી ખાતે ખાતે નેનો યુરિયાનો ડ્રોનના ઉપયોગથી છંટકાવનું નિદર્શનથી ખેડૂતોએ ખુશી વ્યકત કરી પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યા હતા. ઉત્સાહી ખેડૂત જયેશભાઈએ નેનો યુરિયાથી જમીનની જાળવણી, જરૂરિયાત મુજબનું નાઈટ્રોજન અને વધુ ઉત્પાદન મળે તેમજ નેનો યુરિયા ઓછી જગ્યા રોકે, વહન સરળતાથી થઈ શકે છે અને ઓછી કિંમતે વધુ ઉત્પાદન આપી ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ખેડૂતની આવક વધે છે તેમ જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પાકના સારા ઉત્પાદન માટે ઘણા પ્રકારના ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નેનો યુરિયા એક સુરક્ષિત વિકલ્પ તરીકે ઉભરી આવ્યું છે. નેનો યુરિયા લિક્વિડ ફર્ટિલાઇઝર યુરિયાનું પ્રવાહી સ્વરૂપ છે. એક એકર માં 500 મિલી થી નાઈટ્રોજન ની પૂર્તિ થઈ શકે છે. સૌથી સારી વાત એ છે કે નેનો યુરિયા પર્યાવરણને કોઈ નુકસાન કરતું નથી. આ સ્પ્રે નો છટકાવ જે છોડ દ્વારા શોષાય છે તેની સારી અસરકારકતા છે મહત્વનું છે કે, ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોનો સમય, ઉર્જા અને કૃષિખર્ચ બચશે અને કૃષિમાં સમૃદ્ધિ માટે યાંત્રિકીકરણને પ્રોત્સાહન મળી રહ્યું છે.