કડી: કડી તાલુકાના રાજપુર ગામે યુવક પોતાના ઘરેથી નીકળીને ગામના ચોકમાં જઈ રહ્યો હતો. જે દરમિયાન ત્રણ શખ્સો ધોકા અને ધાર્યા લઈને આવી પહોંચ્યા હતા અને યુવક પર હુમલો કર્યો હતો. જેમાં યુવકને માથાના ઈજાઓ પહોંચતા કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નંદાસણ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કડી તાલુકાના રાજપુર ગામે રહેતો યુવક સચિન ભરવાડ તેમજ તેમના પિતા પશુપાલકનો વ્યવસાય કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. સચિન પોતાના ઘરેથી નીકળીને રાજપુર ગામના ચોકમાં આવી રહ્યો હતો. જે દરમિયાન ગામના જ અજમલ ઠાકોર, અજય ઠાકોર, બાબુ ઠાકોર ત્યાં ઉભા હતા અને સચિન ભરવાડને કહેવા લાગ્યા કે, તમારી બહેનને અમે લઈ ગયા છીએ. તેવું કહેતા ત્રણેય શખ્સોને સચિને આ શબ્દો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરવા લાગ્યા હતા.

​​​​​​​જ્યાં સચિને ગાળો બોલવાની ના પાડતા ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ જઈને હાથમાં રહેલ ધારીયા અને ધોકા વડે સચિન ઉપર હુમલો કર્યો હતો. જ્યાં સચિને બૂમાબૂમ કરતા તેમની માતા સહિત આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા. જેથી હુમલો કરનાર ત્રણેય શખ્સો સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા. જે બાદ સચિનને ઈજાઓ પહોંચી હોવાથી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સચિનને માથાના પાછળના ભાગે ઇજાઓ પહોંચતા તેને 10 ટાંકા આવ્યા હતા. આ અંગેની સચિને ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નંદાસણ પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંઘીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.