બનાસકાંઠા જિલ્લા ના ડીસા માં આજે એક પરિવારે વૃદ્ધના અવસાન બાદ તેમના દેહનું દાન કરીને સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે..

મરણ બાદ પણ પોતાની કાયા સમાજ ને ઉપયોગી બની રહે અને મેડિકલ ના વિધાર્થીઓ ને માનવ દેહના અભ્યાસ માં તેમની કાયા મદદરૂપ બને તે માટે આજે અવસાન બાદ આ વૃદ્ધના દેહને બનાસ મેડિકલ કોલેજ માં વિધાર્થીઓ ના અભ્યાસ માટે દાન કરવામાં આવ્યું છે.. 

વૃદ્ધનું અવસાન થતા પરિવારે દેહને મેડિકલમાં અભ્યાસ માટે દાન કર્યું

માનવ શરીર અમુલ્ય છે. આ શરીર જેટલું જીવિત અવસ્થામાં કામ લાગે છે, તેટલું મૃત અવસ્થામાં પણ ઉપયોગી સાબિત થતુ હોય છે. ત્યારે સમાજ માટે ઉપયોગી બનવાના આશયથી ડીસાના એક પરિવારે વૃદ્ધના અંગનું આજે દાન કર્યું છે અને સમાજને અંગદાનનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે..

માનવ શરીર કુદરતી છે અને તે કોઈ ફેક્ટરીમાં બનાવી શકાતું નથી. એક તરફ અત્યારે માનવ જીવન પર અનેક બીમારીઓ પ્રહાર કરી રહી છે. ત્યારે આ બીમારીઓ સામે માનવ જાતિને બચાવવા માટે મેડિકલના વિધાર્થીઓ નવી નવી શોધ કરી રહ્યાં છે. આ વિધાર્થીઓને પોતાના અભ્યાસ માટે માનવ શરીરની જરૂરિયાત ઊભી થતી હોય છે અને માનવ શરીરના બંધારણના અભ્યાસ માટે તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે..

પરંતુ માનવ શરીરની અછત હોવાના લીધે વિધાર્થીઓ પૂરતો અભ્યાસ કરી શકતા નથી. ત્યારે ડીસાના રહેવાશી અને દાંતીવાડા સિંચાઇ વિભાગમાં કેનાલ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલા દિનેશચંદ્ર વિરેશ્વરભાઈ દવેનું અવસાન થયા બાદ તેમના પરિવારે તેમના દેહને મેડિકલ વિધાર્થીઓના અભ્યાસ માટે દાન કર્યું છે..

અવસાન પહેલા ટ્રસ્ટનો સંપર્ક કરી દેહનું દાન કરવા સંમતિપત્રક આપ્યું હતું..

દિનેશભાઇ દવે 81 વર્ષની વયે આજે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. દિનેશભાઇ દવે 60 વર્ષના હતા ત્યારે જ તેમણે અને તેમની સાથે તેમની દીકરી અને પત્નીએ પોતાના દેહનું દાન કરવાનો વિચાર કર્યો હતો. આજે દિનેશ ભાઇ દવે એ અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહનું દાન કરવામાં આવ્યું હતું..

દિનેશભાઈએ તેમના અવસાન પહેલા જ ડીસામાં કાર્યરત શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટનો સંપર્ક કરીને તેમના દેહનું દાન કરવા માટે સંમતિપત્રક આપ્યું હતું. શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દેહ દાનનો સ્વીકાર કરે છે..

અને ત્યારબાદ દાનમાં આવેલા પાર્થિવ શરીરને મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ માટે મેડિકલ કોલેજ સુધી પહોંચાડે છે..

પાર્થિવ દેહને વિધાર્થીઓના અભ્યાસ માટે મોકલવામાં આવ્યો

ત્યારે આજે દિનેશભાઇ દવે એ વહેલી સવારના અંતિમ શ્વાસ લેતા તેમના પરિવાર દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહને શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવ્યો હતો. શ્રીરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિનેશભાઇના પાર્થિવ દેહને પાલનપુર ની બનાસ મેડિકલ કોલેજના વિધાર્થીઓના અભ્યાસ માટે મોકલવામાં આવ્યો હતો..

ભવિષ્યમાં આવનારી પેઢીને કેટલીય બીમારીઓથી બચાવી શકાય..

વર્તમાન સમયમાં નવી નવી બીમારીઓ વચ્ચે મેડિકલ સુવિધા જ એકમાત્ર રામબાણ ઈલાજ છે. પરંતુ મેડિકલ કોલેજના વિધાર્થીઓને અભ્યાસ માટે પૂરતા પ્રમાણમાં માનવ શરીર ના મળતા અભ્યાસ કરવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે..

તો બીજી તરફ લોકોએ પણ દેહદાન અંગે જાગૃત બનીને પોતાના અવસાન બાદ પોતાના નશ્વર શરીર નું મેડિકલ ના વિધાર્થીઓ માટે દાન કરવામાં આવે તો મેડિકલ ક્ષેત્રમાં વધુને વધુ પ્રગતિ થઈ શકે અને વર્તમાન સમયમાં સમાજની પણ આ માંગ ઊભી થઈ છે..

ત્યારે લોકોએ જાગૃત બનીને એક કદમ આ દિશા તરફ પણ ઉઠાવવું જોઇયે. કે જેથી ભવિષ્યમાં આપની આવનારી પેઢીને પણ કેટલીય બીમારીઓથી બચાવવા માટે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં મેડિકલ વિભાગ સક્ષમ બની શકે.

લોકો અંગદાન કરવા પ્રેરાય તો મેડિકલ સુવિધા વધુ સુદ્રઢ બને..

દિનેશભાઇ દવે બનાસકાંઠા જિલ્લાના બીજા વ્યક્તિ છે કે જેમને વર્ષ 2022માં અંગદાન કર્યું હોય. આ ઉપરાંત દિનેશભાઇ દ્વારા અંગદાનની કરાયેલી જાહેરાત બાદ તેમનું અલગ અલગ જગ્યાએ સન્માન કરવામાં આવ્યું હતું..

બનાસકાંઠા વિશાળ જિલ્લામાં પણ વર્ષમાં માત્ર બે લોકો જ અંગ દાન કરતાં હોય તેના પરથી સમજી શકાય છે કે આપના જીલ્લામાં અંગદાનને લઈ લોકોમાં હજુ પણ જોઈએ તેટલી જાગૃતિ આવી નથી. ત્યારે વધુને વધુ લોકો અંગ દાન કરવા માટે પ્રેરાય તો મેડિકલ સુવિધા વધુને વધુ સુદ્રઢ બનાવી શકાય..