વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી કાળો કેર વર્તાવવાનું શરૂ કર્યું છે. સતર્ક બનેલી ભારત સરકારે પણ તકેદારીનાં પગલાં ભરવાની શરૂઆત કરી દીધી છે. સંભવિત જોખમને ટાળવા માટે સતર્ક બનેલા કચ્છના આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ યોજી જિલ્લાની હોસ્પિટલમાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ, વેન્ટિલેટર સહિતના સાધનોની ચકાસણી કરવા સાથે હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધિ, દવા અને રસીના ડોઝ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે કે કેમ તેની સમીક્ષા કરવામાં આવી હતી. આ કામગીરીનો દોર 27મી તારીખ સુધી ચાલવાનો છે. ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આર.આર. ફુલમાલીએ વિગતો આપતાં કહ્યું કે, ભુજ અને કંડલાના વિમાની મથક, મુંદરા અને કંડલા પોર્ટ તેમજ ભુજ-ગાંધીધામ સહિતના રેલવે સ્ટેશન-બસ સ્ટેશનમાં પ્રવાસીઓનું ક્રીનિંગ શરૂ?કરી દેવામાં આવ્યું છે. જિલ્લાના પ્રવેશદ્વાર એવા સૂરજબારી ટોલ નાકે બંધ?કરી દેવાયેલી કોવિડ ચેકપોસ્ટને પણ ફરી કાર્યરત કરી દેવાઇ?છે. આ ચેકપોસ્ટમાં કચ્છમાં પ્રવેશતા લોકોનું ક્રીનિંગ કરવામાં આવશે.જિલ્લામાં 25થી વધુ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. તેમાંથી મોટાભાગના હાલ ચાલુ છે. એકાદ પ્લાન્ટમાં થોડી ખામી જણાતાં તેને ચાલુ કરવાની કવાયત હાથ?ધરવામાં આવી છે. શ્રી ફુલમાલીએ કહ્યું કે, તમામ તાલુકા હેલ્થ ઓફિસરોની મિટિંગમાં સર્વેલન્સ વધારવાની સૂચના આપવામાં આવી છે. આ માટે વિશેષ ટીમનું ગઠન કરાયું છે. જિલ્લામાં હાલ દૈનિક 150થી વધુ કોરોના પરીક્ષણ કરાઇ રહ્યા છે જેનો વ્યાપ આગામી દિવસોમાં વધવાનો છે. આઇસોલેશન સેન્ટર પણ કાર્યરત કરી લેવાયા છે. કોઇ શંકાસ્પદ કેસ દેખાય તો તેને તાબડતોબ અહીં રાખવા માટેની વ્યવસ્થા ઊભી કરાશે.દરમ્યાન, ગાંધીધામ બ્યૂરોના અહેવાલ અનુસાર ગાંધીધામમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોની સઘન તપાસ શરૂ કરવામા આવી છે, જેમાં' રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ વગેરે સ્થળોએ પ્રવાસીઓના ક્રીનિંગનો આરંભ કરવામા આવ્યો છે. દુનિયામાં કોરોના મહામારીએ પુન: પોત પ્રકાશ્યું છે. નવા વેરીએન્ટના ભારતમાં બે કેસ દેખાતાં કેન્દ્ર અને રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. આવા સંજોગોમાં બહારના રાજ્યોમાંથી કચ્છમાં એમાંય ખાસ કરીને ગાંધીધામમાં આવતા લોકોની તપાસ માટે તાલુકા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયો છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો. દિનેશ સુતરિયાએ આ અંગે જણાવ્યું હતું' કે, કોરોનાને અટકાવવા આજે જુદીજુદી ટીમો બનાવી ગાંધીધામ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ કંડલા એરપોર્ટ પર' આવતા મુસાફરોનું ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે. તેમણે મહામારી સમયે જાગૃતિ દાખવવા ભય નહીં પણ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને હરાવવા આગામી સમયમાં બૂસ્ટર ડોઝ આપવા કેમ્પનું આયોજન કરવાની તૈયારી પણ કરવામાં આવી રહી છે. આદિપુરની રામબાગ હોસ્પિટલમાં લોકોને સારવાર ઉપલબ્ધ થાય તેવા પ્રયાસો કરવામાં આવ રહ્યા છે. હાલે હેલ્થ વિભાગ દ્વારા ઓપીડીમાં આવતા દર્દીનુ સર્વેલન્સ, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ, ટેસ્ટનું પ્રમાંણ વધારવાના પ્રયાસો, આરટીપીસીઆર પોઝિટિવ આવેલા દર્દીનું અવશ્ય ઝીનોમ સિક્વન્સિંગ કરવા સહિતના મુદ્દે કામગીરી કરવા સૂચન કરવામાં આવ્યું હોવાનુ તેમણે ઉમેર્યું હતુ.