શહેરમાં તંત્રની ઉદાસીનતાને પગલે લારી-ગલ્લાંવાળાના દબાણો સતત વધી રહ્યા છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતા ખાણી-પીણીના ધંધાર્થીઓ માર્ગો, ફૂટપાથ સહિત લોકસુવિધા તો પચાવી જ પાડે છે. સાથોસાથ લોકોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ખડું કરી રહ્યા છે.
ભુજ શહેરમાં 2000થી વધુ લારીધારકોમાંથી મોટા ભાગના બારાતુ છે ત્યારે તંત્ર દ્વારા આવા ધંધાર્થીઓએ ફૂડ લાયસન્સ મેળવ્યું છે કે કેમ તેની પણ યોગ્ય તપાસ કરવા લોકમાંગ ઊઠી છે.
ભુજમાં જાહેર માર્ગો, ફૂટપાથ તેમજ કરોડોના ખર્ચે બનતા નવા સ્થળો પર લારી-ગલ્લાં ગોઠવાતાં શહેરીજનોને ચાલવા પૂરતી પણ જગ્યા નથી બચતી. હાલમાં અંદાજે 2000થી પણ વધુ લારીઓ લોકસુવિધા પચાવી પાડવા સાથે ટ્રાફિકને અડચણરૂપ ગોઠવાઈ ગઈ હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે અને આવા ધંધાર્થીઓ માટે કોઈ તો નીતિ-નિયમ હોવા જોઈએ તેવી લાગણી ફેલાઈ છે. એનયુએલએમ શાખા દ્વારા શરૂ કરાયેલા સર્વે અને નોંધણીકાર્ય બાદ 1500 આસપાસ ધંધાર્થીઓએ નોંધણી કરાવી છે. આવા ધંધાર્થીઓને નડતરરૂપ ન હોય તેવી રીતે ધંધો કરવા 16 આસપાસ સ્થળ નક્કી કરાયા છે, જ્યાં લાઈટ-પાણી અને ગ્રાહકોના વાહન પાર્કિંગની વ્યવસ્થા કરાશે. જો કે, આ આયોજન ખૂબ જ ધીમી ગતિપૂર્વક આગળ વધી રહ્યું છે અને સર્વે કરાયેલા સ્થળોમાં પણ ફેરફારની શક્યતાઓ જોવાઈ રહી છે. જેથી આ આયેજન ક્યારે પાર પડશે તે અનિશ્ચિત છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરના લારી-ગલ્લાંવાળાઓમાંથી પોણા ભાગના બારાતુ ધંધાર્થી છે. કચ્છમાં ફૂડ એન્ડ ડ્રગ શાખા તો જાણે કુંભકર્ણની નિદ્રામાં જ હોય તેમ જાહેરમાં ગ્રાહકોને પીરસાતા વિવિધ વ્યંજનોની તપાસની કોઈ જ દરકાર નથી લેવાતી. નિયમોનુસાર ખાણી-પીણીના ધંધાર્થીઓએ લાયસન્સ લેવાનું હોય છે, પણ સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક ધંધાર્થીઓ લાયસન્સ વિના જ નાસ્તા વેચી રહ્યા છે, જે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમરૂપ છે. શેરી ફેરિયા અધિનિયમ-14 અને સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ-16 અને સુધારા રૂલ્સ 2018ની કરવામાં આવેલી જોગવાઈઓ મુજબ શાળા પ્રવેશદ્વાર અને પ્રસ્થાન સ્થાનની બન્ને બાજુ 200 મીટરની ત્રિજ્યામાં બિનફેરી ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યું છે. જેથી આવા સ્થળોએ લારી, ગલ્લાં, કેબિન, રેંકડી ઊભી રાખવી નહીં તેવો નિયમ છે. ઉપરાંત તાજેતરમાં જ ભુજમાં 22 જેટલા સ્થળોને નો વેન્ડિંગ ઝોન તરીકે જાહેર કરાયા છે અને ભુજ સુધરાઈની દબાણ શાખા દ્વારા આ સ્થળોએ લારી-ગલ્લાંવાળાઓના દબાણ હટાવાશે તેવી માહિતી પ્રાપ્ત થઈ હતી. તંત્ર દ્વારા જ બનાવાયેલા નિયમોનો તંત્ર ખુદ જ અમલ ન કરાવી શકતું હોવાથી શહેરીજનોમાં પણ શંકા સાથે ચર્ચા જામી છે.