જિલ્લાનું આરોગ્ય વિભાગ સક્રિય, ડીસા કોરોનાની નવી લહેરને લઈ સજાગ, સંક્રમણને અટકાવવા માટે સરકારી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા..

ફરી એકવાર કોરોના દસ્તક દેવાની તૈયારીમાં છે ત્યારે ડીસામાં પણ તંત્ર દ્વારા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારી હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા કરી દેવાઈ છે. જો કોરોનાના કેસો વધે તો ઓક્સિજન, બેડ અને સ્ટાફને સજ્જ કરી દેવાયો છે. કોરોનાની બીજી લહેર વખતે બનાસકાંઠા જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ નાકે દમ થઈ ગયો હતો. ખાસ કરીને ઓક્સિજનના અભાવે અનેક કોરોના સંક્રમિત દર્દીઓએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. આવી સ્થિતિ ન સર્જાય તે માટે આ વખતે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ પહેલેથી જ સક્રિય બન્યું છે. 

ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો

ડીસામાં આવેલી સરકારી હોસ્પિટલમાં પણ ગત વખતે ઓક્સિજન પ્લાન્ટ ન હતો પરંતુ હવે અહીં ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. જે પ્લાન્ટ અત્યારે સંપૂર્ણ ચાલુ હાલતમાં છે. આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા RTPCR લેબ બનાવવામાં આવી છે. આ લેબમાં અત્યારે પણ અંદર અંદાજિત 700 થી 800 જેટલા સેમ્પલની તપાસ કરવામાં આવે છે. ડીસાની સરકારી હોસ્પિટલમાં 6 તાલુકાના લોકોના સેમ્પલ ચકાસવામાં આવે છે અને સેમ્પલ મળ્યા બાદ 8 કલાકમાં જ તમામ સેમ્પલનો રિપોર્ટ આપી દેવામાં આવે છે.

હોસ્પિટલમાં સેન્ટ્રલાઈઝ ઓક્સિજન લાઇન

અહીં રોજના 1500થી પણ વધુ સેમ્પલની તપાસ થઈ શકે તે માટે પૂરતો સ્ટાફ કાર્યરત રહે છે. હોસ્પિટલમાં સેન્ટ્રલાઈઝ ઓક્સિજન લાઇન સાથે જોડાયેલા 44 બેડની વ્યવસ્થા છે. એટલે કે એક સાથે 40 જેટલા ઓક્સિજન જરૂરિયાતવાળા દર્દીઓને રાખી શકાય. આ સિવાય 60 જેટલી ઓક્સિજન બોટલો પણ તૈયાર રાખવામાં આવી છે. જેથી, આવનાર કોઈપણ દર્દીને ઓક્સિજનના કારણે કોઈ તકલીફ ન પડે તેવી સુવિધાથી સજ્જ હોસ્પિટલો બનાવાઈ છે.