હથિયાર સાથે ઝડપાયો:અમીરગઢ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો, ત્રણ ફરાર
અમીરગઢ પોલીસે ચેકપોસ્ટ પર એક શંકાસ્પદ ગાડીમાં તપાસ કરતા પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો હતો. જ્યારે ત્રણ ઇસમો પોલીસના સકંજામાંથી ગાડી લઈને ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે પીછો કર્યો હતો. આ દરમિયાન આ ત્રણ ઈસમો કાર મુકીને અંધારાનો ફાયદો ઉઠાવી ફરાર થઈ ગયા હતા.
ત્રણ શખ્સો કાર લઈને ભાગી ગયા હતા
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલા ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પર પોલીસ કર્મચારીઓ રાબેતા મુજબ રૂટિન વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી મહારાષ્ટ્ર પાર્સિંગની કાર આવતા તેમાં ચાર વ્યક્તિઓ સવાર હોઈ પોલીસને શકમંદ લાગતા તેઓને રોક્યા હતા. જોકે, એક ઈસમ કારમાંથી નીચે ઉતર્યો હતો. જ્યારે અન્ય ત્રણ ઇસમો કારને પૂરઝડપે ભગાડી ભાગી ગયા હતા. જોકે, પોલીસે કારનો પીછો કર્યો હતો.
પોલીસે 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ દરમિયાન કરતા ચેક પોસ્ટથી દસેક કિલોમીટર પાલનપુર તરફ ઢોલિયા ગામની સીમમાંથી કારને પોલીસે પકડી પાડી હતી. જોકે, પોલીસને જોઈ કારમાં સવાર ત્રણ ઇસમો અંધારાનો લાભ લઈ ભાગી છૂટયા હતા. પોલીસે કારની તપાસ કરતા તેમાં પિસ્તોલ અને મેગેઝિન સહિત નવ જીવતા કારતૂસ મળી આવ્યાં હતા. અમીરગઢ પોલીસે કારને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ પકડાયેલ ઇસમ અજિત દીનદયાળ પાંડે રહે પિંદરા વારાણસી વાળા તથા ભાગી ગયેલ દીપક ઉર્ફે દીપો રહે બેંગલોર, જાવેદ શેખ રહે હૈદરાબાદ તથા કિશન થાપા નેપાળી વાળા ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પિસ્તોલ સહીત કુલ 3 લાખ 27 હજાર 800નો મુદ્દામાલ કબજે લઈ ઇસમો ઉપર આર્મ એકટ મુજબ ગુનો નોધવામાં આવ્યો છે.
અહેવાલ બ્યુરો રિપોર્ટ બનાસકાંઠા