મહેસાણા શહેરમાં આવેલા કસ્બા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચરસ વહેંચાતો હોવાની બાતમી SOGની ટીમને મળી હતી. જે બાતમીના આધારે SOGની ટીમે વેશબદલો કરી આરોપીને ઝડપી વધુ તપાસ આદરી છે.
મહેસાણા શહેરમાં કસ્બા વિસ્તારમાં આવેલા મસ્જિદવાળી કુંભાર વાસમાં રહેતો ફેઝલ રફીક સેતા ડ્રગ્સ વેચતો હોવાની બાતમી મળી હતી. જોકે, આ ફેઝલને શોધવા SOGની ટીમે એક માસ સુધી સતત કસબા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં પોલીસ કર્મીઓ દાઢી વધારી, લગર વગર ડ્રેશ ધારણ કરી એક્ટિવા પર જ સિવિલ ડ્રેસમાં ફરી આરોપીની તપાસ કરી રહ્યા હતા.
મહેસાણા એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે સતત એક માસ સુધી પી.આઈ એ.યુ.રોજની ટીમ વોચમાં હતી. તે દરમિયાન આરોપીનું એડ્રેસ કમ્ફર્મ થતાં જ ટીમે દરોડો પાડી દીધો હતો. જેમાં આરોપીના ઘરમાં તપાસ કરતાં કબાટમાંથી પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે આરોપી ફેજલને ઝડપી કુલ 60 હજાર 300નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ આદરી હતી.
ભુજ જિલ્લામાં ચેકિંગ દરમિયાન ચરસ સાથે એક આરોપી ઝડપાયો હતો. જેણે ભુજ એસઓજીને જાણ કરી હતી કે, મહેસાણાનો સમીર જેણે ચરસ વેચવા આપ્યું હોવાની જાણ થતાં ભુજ એસઓજી એ મહેસાણાના સમીરને ઝડપવા તપાસ આદરી હતી. જે બાદમાં આ કેસમાં મહેસાણા એસઓજી એ ઊંડી તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. જેમાં એસઓજીના હાથે ઝડપાયેલા ફેઝલને પણ આજ સમીર ચરસ આપતો હોવાનું સામે આવ્યું છે. જો કે સમીર હાલમાં ફરાર છે.
આ સમગ્ર મામલે મહેસાણા એસઓજી ટીમે આજે ચરસ વહેંચનાર આરોપીને ઝડપી લીધો છે. ત્યારે પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી ઓગસ્ટ માસથી ધંધો ચાલુ કર્યો હતો. તેમજ હજુ આ કેસમાં ચરસ કોણે કોણે સપ્લાય કરતો હતો, એ તપાસ બાદ સામે આવશે. જો કે સમગ્ર મામલે મહત્ત્વની વાત એ છે કે, છેલ્લા ચાર માસથી કસ્બા વિસ્તારમાં ચરસનો ધંધો ફેજલ ધમધોકાટ ચલાવતો હતો. ત્યારે સ્થાનિક પોલીસને ગંધ સુદ્ધા ન આવી, ત્યારે મહેસાણા એસઓજી ટીમે એક માસમાં જ પૂરું ઓપરેશન પાર પાડી દીધું હતું'ને આરોપીને ઝડપી લીધો હતો.