કડી : કડી શહેર અને તાલુકાની અંદર તસ્કરો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે કડી તાલુકાના કુંડાળ ગામે આવેલા વૃંદાવન ગ્રીન્સ સોસાયટીમાં તસ્કરો મકાનનું લોક તોડી હાથફેરો કરી રફુચક્કર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. કડી શહેરમાં છેલ્લા 15 દિવસમાં વારંવાર મકાનોના તાળા તૂટતા પેટ્રોલિંગ વધાર્યાની બણગા મારતી પોલીસનું નાક વાઢીને તસ્કરો ચોરી કરી જતા પરિવારજનો કડી પોલીસ સ્ટેશનમાં આવી પહોંચ્યા હતા.

કડી છત્રાલ હાઈવે ઉપર કુંડાળ ગામની સીમમાં આવેલા વૃંદાવન ગ્રીન્સ મકાન નંબર 81માં ભાડેથી રહેતા કાંતિ પ્રજાપતિ કે જેઓનું મૂળ વતન એદલા ગામ છે. તેઓ છેલ્લા થોડાક મહિનાઓથી વૃંદાવન ગ્રીન્સ સોસાયટીમાં રહે છે અને છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. કાંતિ પ્રજાપતી પોતાની બહેન ઝાલાસર ગામ ખાતે રહેતી હોવાથી બહેનના ઘરે મહેમાનગતિએ ગયા હતા. જ્યાં પાછળથી તેમના મકાનનું લોક તૂટતા તેમના પડોશીઓએ સવારે તેમને જાણ કરી હતી.

ઘરનું લોક તોડી તસ્કરો ઘરની અંદર હાથ ફેરો કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જ્યાં મકાનનું લોક તૂટતા સવારે પાડોસીએ કાંતિભાઈ પ્રજાપતિને જાણ કરી હતી. તેઓ તાત્કાલિક પોતાના ઘરે કડી ખાતે આવી પહોંચ્યા હતા અને ઘરની અંદર તલાસી લેતા ઘરના અંદર મુકેલા રોકડ રકમ તેમજ સોનાનો દોરો, સોનાની બુટ્ટી સહિતની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતુ. જેની જાણ તેઓએ કડી પોલીસને કરી હતી અને તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે એફએસએલ અને ડોગ સ્વકોડની મદદથી તસ્કરોને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે.