કડી તાલુકાના ખેરપુર ગામે દિવ્ય જીવન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં યુવાને પહેલા ફોન ઉપર ધાકધમકીઓ આપી હતી અને થોડાક સમય બાદ બે ઈસમો ધોકા અને પાઇપો લઈને આવી પહોંચ્યા હતા. યુવાન ઉપર તૂટી પડતાં યુવાનને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જેથી તેને નંદાસણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નંદાસણ પોલીસે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના ખેરપુર ગામે રહેતા શૈલેષ પટેલ કે જેઓ છૂટક કામ કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જ્યાં ખેરપુર સીમની અંદર ભાગીદારીમાં દિવ્ય જીવન એગ્રો ઇન્ડસ્ટ્રીઝ ઓઇલ મીલ બનાવવામાં આવેલી છે. જ્યાં શૈલેષની પત્ની ભાગીદાર તરીકે છે. જેઓ દેખરેખ માટે દિવ્ય જીવન એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં ગયા હતા અને શેડનું કામ ચાલી રહ્યું હતું અને મજૂરો કામ કરી રહ્યા હતાં. આ દરમિયાન સીડીની જરૂર પડતા સીડી લાવ્યા હતા. જ્યાં એગ્રો ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં આવેલ ખેતરની અંદર સીડી મૂકી હતી અને શેડ ઉપર ચડ્યા હતા અને કામ કરી રહ્યા હતાં. આ દરમિયાન ખેતરમાં હાજર ભગાજી ઠાકોર આવી પહોંચ્યા હતા અને મજૂરોને કહેવા લાગ્યા હતા કે તમે મારા ખેતરમાં વાવેતર કરેલું છે. તો તમે તમારી સીડી લઈ લો તેમ કહીને મન ફાવે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતાં. ત્યારે મજૂરોએ શૈલેષને આ જણાવ્યું હતું તો શૈલેષે કહ્યું હતું કે, સીડી લઈ લો અને આપણી હદમાં સીડી મૂકીને કામ કરો.

ખેરપુરની સીમમાં નવીન બની રહેલી દિવ્ય જીવન એગ્રોમાં શૈલેષ પટેલ ઓફિસની અંદર બેઠા હતાં. આ દરમિયાન શૈલેષ ઉપર ભગાજી ઠાકોરનો ફોન આવ્યો હતો અને અપશબ્દો બોલવા ​​​​​​​લાગ્યા હતા. તેઓએ ફોન મૂકી દીધો હતો બાદમાં થોડાક સમય બાદ ભગાજી ઠાકોર અને રજની પ્રજાપતિ સહિત અન્ય બે લોકો ધોકા અને પાઇપો લઈને આવી પહોંચ્યા હતાં. ઉશ્કેરાઈ જઈને શૈલેષ ઉપર હુમલો કરી અને તેને ઇજાઓ પહોંચાડી હતી. ત્યાં બૂમાબૂમ કરતા એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં રહેલા મજૂરો તેમજ સિક્યુરિટી આવી પહોંચ્યા હતાં. તેમણે મારમાંથી બચાવ્યા હતા જ્યાં આવેલા ઈસમો ત્યાંથી ભાગી છુટ્યા હતા. બાદમાં શૈલેષને નંદાસણ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યાં નંદાસણ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.