ગાંધીનગર: કલોલમાં રાજપૂત પરિવારની દીકરી ગુમ થયાની બાબતમાં કરણી સેના એક્શન મોડમાં આવી ગઈ હતી. રાજપૂત સમાજની દીકરીને શોધી લાવવા માટે કરણી સેનાએ DySPને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

કલોલમાં રાજપૂત પરિવારની દીકરી ગઈ તારીખ 17 ડિસેમ્બરના રોજ ઘરેથી અંદાજિત 9થી 10ના ગાળામાં ગાંધીનગર પરિક્ષા આપવાનું કહી ઘરેથી નીકળી હતી. જે બાદ રાત્રે ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તો લગભગ 11 વાગ્યાની આસપાસ પરિવારને જાણવા મળ્યું કે, દીકરીને કોઈ ભગાડીને લઈ ગયું છે. ત્યારબાદ પરિવાર દ્વારા વધુ શોધખોળમાં જાણવા મળ્યું કે, કલોલની એક ચાલીમાં રહેતા છોકરા સાથે દીકરી ગઈ છે.

જેથી પરિવારે ગઈકાલ એટલે કે, 18 ડિસેમ્બરે કલોલ તાલુકા પોલીસ મથકે દીકરી ગુમ થયાની બાબતની અરજી પણ આપી હતી. જે બાબતને લઈને કોઈ નક્કર પગલા ન લેવાથી રાજપૂત સમાજની મદદ માગીને આજે સમાજ એકઠો કરવામાં આવ્યો હતો. સમાજ એકઠો થયા બાદ કરણી સેનાના તમામ સભ્યોએ આ બાબતને વખોડી હતી. જેમાં કરણી સેના દ્વારા ડી.વાય.એસ.પીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેમાં સાહેબને જણાવવામાં આવ્યું હતું કે, આ બાબતને તાત્કાલિક તપાસ કરી અને અમારા સમાજની દીકરીને શોધી આપવા તેમજ કરણી સેનાને જાણવા મળેલ છે કે, કલોલની એક ચાલીમાં રહેતો છોકરો આમને ભગાડી ગયો છે. જે જાણવા મુજબ હજુ સુધી કોઈ મેરેજ પણ કરેલ નથી, તો આ બાબતે યોગ્ય પગલા ભરી દીકરી ઝડપથી શોધી આપવા આવેદનપત્ર પાઠવ્યું હતું.