મહેસાણા :  મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાણસોલ ગામના અને જમ્મુમાં લદાખ બૉડર પર ફરજ બતાવતા જવાન ભરતસિંહ રાણા વીરગતિ પામ્યા છે. આજે તેઓના પાર્થિવદેહને ચાણસોલ ગામે લાવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું. ગામમાં તેમની અંતિમયાત્રા નીકળતા સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું.

ખેરાલુના ચાણસોલ ગામના ભરતસિંહ રાણા અને તેમના ભાઇ બંને આર્મીમાં ફરજ બજાવતા હતા. ભરતસિંહ રાણા લદાખ બૉડર પર અને તેમના ભાઇ હિમાચલ પ્રદેશમાં ફરજ બજાવે છે. ભરતસિંહ રાણા એકાદ અઠવાડિયા પહેલાં ડ્યુટી પર હતા ત્યારે વાતાવરણ ઠંડુ હોવાથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. જેથી તેમને ચંદિગઢ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં થોડી રિકવરી આવી હતી. જોકે, ફરીથી તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તેમનું મોત થયું હતું. તેમના મોતના સમાચાર પરિવારજનો અને ગ્રામજનોને મળતાં સમગ્ર ગામ શોકમાં ડૂબી ગયું હતું.

આજે ભરતસિંહ રાણાના ભાઇ જે આર્મીમાં ફરજ બજાવે છે. તેઓ તેમના ભાઇના પાર્થિવ દેહ લઇને ગામમાં આવ્યા હતા અને અંતિમ વિધિ યોજાઇ હતી. અંતિમ વિધિને લઇને આજે આખા ગામે બંધ પાળીને શહિદ ભરતસિંહ રાણાને શ્રદ્ધાજલિ આપી હતી. જ્યારે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.