મહેસાણા : મહેસાણા શહેરમાં ભાજપના નગર સેવક દ્વારા પત્નીને ટ્રિપલ તલાક આપવાને મામલે અગાઉ પત્નીએ અનેકવાર પોલીસ મથકમાં રજૂઆત કરી હતી, ત્યારબાદ આખરે આજે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં મહેસાણાના ભાજપના નગર સેવક સલીમ વોરા વિરુદ્ધ તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પડક્યું છે.
મહેસાણા શહેરમાં કસબા વિસ્તારમાં રહેતી સિદ્દીકાબેન વ્હોરાએ મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓના લગ્ન 2000ની સાલમાં મહેસાણામાં રહેતા સલીમ વ્હોરા જોડે કરવામાં આવ્યાં હતા. 5 વર્ષ અગાઉ પરિણીતાનો દીકરો ગુજરી જતાં સાસરીપક્ષ વાળાને દીકરો જોઈતો હોવાથી તેઓ ફરિયાદીને અનેકવાર ત્રાસ આપતા હતા. તેમજ ફરિયાદીએ પોતાના પિયરથી પાંચ લાખ લાવી પોતાના પતિને પણ આપ્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. તેમજ વધુ નાણાં પિયરથી લાવવા દબાણ કરતાને ત્રાસ આપતાં હતા.
બાદમાં 16 ડિસેમ્બર 2021ના રોજ ફરિયાદીના પતિના ફોનમાં કોઈ મહિલાનો કોલ આવતાં ફરિયાદીએ તપાસ કરાવતાં સામે આવ્યું કે, ફરિયાદીના પતિએ કોઈ અન્ય મહિલા સાથે આડા સબંધ છે. બાદમાં ફરિયાદીએ સામે મહિલાને આ મામલે કોલ કરતા મહિલાએ ફરિયાદીને કહ્યું કે... સલીમ તને તલાક આપી દેશે.... મારે તેની સાથે નિકાહ કરવાના છે....તું ઘર છોડી દે નહીંતર જીવતી નહીં રે...એમ કહી સામે રહેલ રેશમા ચૌહાણે ફરિયાદીને ધમકી આપી હતી.
બાદમાં જેતે સમયે ફરિયાદીના પતિએ આ મામલે ફરિયાદીને માર માર્યો હતો. બાદમાં ફરિયાદીના પતિએ 2 એપ્રિલ 2022ના રોજ મોઢેથી તલાક... તલાક....તલાક એમ ત્રણ વાર બોલી ફરિયાદીને ટ્રિપલ તલાક આપી ગુનોં કરવા મામલે આજે મહિલાએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં વ્હોરા સલીમ નૂરમહમદભાઈ, શકિના બેન વ્હોરા, પરવીન અંકિતભાઈ વ્હોરા, ઇકબાલ ઇસમાંભાઈ વ્હોરા અને રેશમાબેન નબીભાઈ ચૌહાણ વિરુદ્ધ કલમ 498 (ક),232,504,506 (2), 507, 114, થતા દ.પ્ર.ધા.ક.3.4તથા મુસ્લિમ સ્ત્રીઓના (લગ્નના હકોના રક્ષણ) બાબત અધિનિયમ 2019ની કલમ-3, 4 મુજબ ફરિયાદ નોંધાવી છે.