રાજકોટ શહેરમાં લોકો રખડતાં શ્વાનના ત્રાસથી પરેશાન

એક વર્ષમાં 6500થી વધુ લોકો બન્યા ભોગ

રાજકોટ શહેરમાં રખડતા શ્વાનનું ત્રાસ વધી ગયું છે. જો છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો અહિંયા રખડતાં શ્વાને 6500 લોકોને બચકાં ભર્યા છે. ખસીકરણ અંગે મહાનગરપાલિકાના લાખો રૂપિયાના ખર્ચ પછી પર લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે.

રાજકોટ શહેરમાં રખડતાં શ્વાનથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરના અનેક વિસ્તારોમાં રખડતાં શ્વાનનો આતંક છે. રાજકોટના રહીશોનું કહેવું છે કે, અહીં રખડતાં શ્વાનનો આતંક છે. અહીં મહિને ચારથી પાંચ જેટલા લોકો શ્વાન કરડવાને કારણે ઇજાગ્રસ્ત થાય છે. લોકોનું કહેવું છે તે મનપાને અનેક વખત રજૂઆત કરવા જતા પણ કોઇ નિરાકરણ નથી આવતું અને રખડતાં શ્વાનનો ત્રાસ હજુ પણ યથાવત છે.

આ તરફ રખડતાં શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા ખસીકરણ યોજના લાગૂ કરી છે. દર વર્ષે મહાનગરપાલિકા લાખો રૂપિયાનો ખર્ચ કરે છે.જો આંકડાકીય માહિતી પર નજર કરીએ તો જાણવા મળે છે કે વર્ષ 2019-20માં 103.76 લાખ રુપિયા ખર્ચ કરવામા આવ્ય હતા જ્યારે વર્ષ 2021-22માં 82.08 લાખ રૂપિયા અને વર્ષ 2022માં નવેમ્બર સુધી 59.07 લાખ રૂપિયા ખર્ચ કરવામા આવ્યા હતા. બીજી બાજુ શ્વાનના કરડવાની ઘટનાની વાત કરીએ તો આ વર્ષે 6500થી વધારે લોકોને શ્વાનએ બચકા ભર્યા છે. ચાલૂ મહિનાની વાત કરીએ તો 300થી વધારે લોકો ભોગ્ય બન્યા છે.

બીજી બાજુ મહાનગરપાલિકાનો દાવો છે કે મનપા દ્વારા નકકર પગલા લેવામા આવ્યા છે. વર્ષ 2008થી ખસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ પૂર્વે મનપાની હદમાં 40 થી 45 હજાર જેટલા શ્વાન હતા જે બાદ તેની ક્રમશ: સંખ્યા ઘટી છે. હાલમાં 7 નવા ગામડાંઓ ભળ્યા હોવા છતા પણ શ્વાનની સંખ્યા 30 હજાર જેટલી છે. ખસીકરણ ઝુંબેશ સતત ચાલી રહી છે અને સંવેદનશીલ વિસ્તારોને ધ્યાનમાં રાખીને ત્યાં શ્વાનનું ખસીકરણ કરવામાં આવે છે.

*રિપોર્ટ ભારતી માખીજાણી*