સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કોઠણ ગામના બે ચોપડી ભણેલા શારદાબેન પશુપાલન થકી સ્વ-રોજગારી મેળવી પગભર બની નવો રાહ ચિંધ્યો છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મહિલા સશક્તિકરણના સ્વપ્નને સાકાર કરતા શારદાબેન પોતાના સ્વ-બળે આગળ આવ્યા છે. ઓછુ ભણ્યા પણ ગણ્યા વધુ છે.  

 “ મન હોય તો માળવે જવાય ”  ઉક્તિને સાર્થક કરતા સાબરકાંઠાના વડાલી તાલુકાના કોઠ્ણ  ગામના    મહિલા પશુપાલક શારદાબેન પટેલે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારીને સ્વ-રોજગારી તો મેળવી છે સાથે સાથે એક નવો રાહ દર્શાવ્યો છે યુવા પેઢીને. શારદાબેન પટેલે માત્ર ધોરણ બે ચોપડી સુધી જ અભ્યાસ કરેલ છે પરંતુ પોતાની કોઠાસૂઝથી તેઓ પશુપાલન દ્રારા દસ થી બાર લાખ વાર્ષિક કમાણી કરે છે.

શારદાબેન જણાવે છે કે, એક સમયે પશુપાલનના વ્યવસાયને ગૌણ વ્યવસાય તરીકે સમજતા પશુપાલકો માટે આજે આ વ્યવસાય આજીવિકાનો મુખ્ય સ્રોત બન્યો છે. સાબરકાંઠા જિલ્લો પશુપાલન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. સાબરડેરીએ સહકાર ક્ષેત્રે સાબરકાંઠાની એક અલગ ઓળખ ઉભી કરી છે. આજે ગામે ગામ દુધમંડળીઓની સ્થાપનાને કારણે પશુપાલનનો વ્યવસાય ખાસ કરીને ખેડૂતો માટે આર્શિવાદરૂપ બન્યો છે. પશુપાલન દ્રારા ખેડૂતોને માટે એક વધારાની આવકની તો મળે જ છે પણ એનાથીય વધુ ખેતી માટે છાણીયુ ખાતર મળી રહે છે.

શારદાબેન વધુમાં જણાવે છે કે, ખેડૂતની આવક પાક પર આધારીત છે. જે વર્ષે ત્રણ વાર પાક લેવાય અને જે નાણાં આવે તે ખર્ચ થઈ જાય પછી શું?.   આ શું? નો જવાબ આપતા તે ઉમેરે છે કે, પશુપાલન મહિલાઓ માટે  એક આવકનું મોટુ માધ્યમ છે. મહિલાઓ ઘરની, બાળકોની જવાબદારી સાથે આ પશુપાલન કરીને આવક રળતી થઈ છે. જો આજે સ્ત્રી-પુરૂષ સમાનતાની વાત હોય તો ઘરની આર્થિક જવાબદારી માત્ર પુરુષની કેમ હોય?  મહિલાએ પુરૂષ સમોવડી છે તો ઘરની જવાબદારી પણ બંન્નેની હોવી જોઇએ. આ પશુપાલન થકી મહિલાઓ પોતાની જરૂરીયાતો માટે પુરૂષ સામે હાથ લાંબા ના કરવા પડે.

શારદાબેન પટેલ તેમના જીવનમાં પશુપાલન થકી જે બદલાવ આવ્યો તે વિશે જણાવે છે  કે,  ખેતી કરતાં પશુપાલનમાં આવક વધુ અને ખર્ચ ઓછો છે અને આવક દર મહિને મળી જાય છે. તેથી તેઓ એ મોટો તબેલો બનાવા વિચાર્યું ત્યારે જિલ્લા પશુપાલન મેળાઓ થકી તેમને વૈજ્ઞાનિક ઢબે પશુપાલનની રીત સમજાવા લાગી અને ત્યારે આત્મા પ્રોજેક્ટ દ્રારા થતા નિદર્શનોમાં મોટા પશુપાલકો દ્રારા અને સાબરડેરી હિંમતનગર દ્રારા થતા પશુપાલન કેમ્પોએ સારૂ એવુ માર્ગદર્શન પૂરૂ પાડ્યું.

વધુમાં શારદાબેન  જણાવે છે કે તેઓ પાસે હાલ ૨૨ જેટલી એચ.એફ. ગાયો છે ત્રણ ભેંસ છે. તેના થકી તેઓ રોજનુ ૨૫૦ લીટર દૂધનુ વેચાણ કરે છે સાથે તે જણાવે છે કે શિયાળામાં તેઓ દિવસનુ ૩૦૦ લીટર દૂધ ભરાવે છે. મહિને તેઓ રૂ.૧,૮૦,૦૦૦ જેટલી આવક મેળવે છે જેમા બધો ખર્ચ બાદ કરતા તેઓ રૂ.૭૦ થી ૮૦ હજાર મેળવે છે. જ્યારે વાર્ષિક વધારા પેટે તેમને રૂ. ૫ લાખ જેવો વધારો ચોખ્ખો મેળે છે. આમ વાર્ષિક તેઓ પશુપાલન થકી દસથી બાર લાખથી વધુની ચોખ્ખી આવક મેળવે છે. પશુપાલનમાં ખાસ ધ્યાન આપવા માટે તેમણે બે માણસ રાખ્યા છે. એચ.એફ. ગાયને ગરમી વધુ લાગે છે તેનુ ધ્યાન રાખી તેમણે તબેલાને એક બાજુ ગ્રીન નેટ બાંધી છે અને એક બાજુ ખુલ્લી રાખી છે જેનાથી ગાયોને પવન મળી રહે અને ગાયોને ગરમીની સીઝનમાં પૂરતુ પાણી ૨૪ કલાક મળતુ રહે તે માટે ખાસ કૂંડા બનાવ્યા છે.જેથી દૂધના પ્રમાણમાં કોઇ ફેર ના પડે.

શારદાબેન જણાવે છે કે તેઓ સારી ઓલાદની ગાયો અને ભેંસની પાડી અને  વાછરડીઓને પણ વૈજ્ઞાનિક ઢબે ઉછેરે છે જેથી તે વાછરડી અને પાડી વેતરમાં ફળે અને નવી ઓલાદ બનાવીને દૂધ ઉત્પાદનમાં વધારો થાય. હાલ તેમની પાસે ૧૦ એક નાના વછરડા છે. તેઓ છાણિયુ ખાતર બનાવીને વધારાની આવક મેળવે છે. તેમણે તેમના તબેલાની ગાયો-ભેંસો માટે લીલો ઘાસ ચારો પૂરો પાડવા  બે એકર જમીનમાં લીલો ઘાસચારો કર્યો છે. તેઓ જણાવે છે કે જો તમે ઢોરને સાચવો તો તે પણ તમને સાચવશે.

શારદાબેન છેલ્લા ૭ વર્ષથી પશુપાલનને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકાર્યો છે અને ગામની દૂધમંડળીમાં પહેલા નંબરે આવે છે. જેના માટે ગામ લોકોએ અને સમાજ દ્રારા સન્માન પત્રથી બિરદાવેલ છે. તેઓને આત્મા પ્રોજેક્ટ દ્રારા જિલ્લાના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ દ્રારા બિરદાવામાં આવ્યા છે.