કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે પોતે પોતાના પિયર કડી તાલુકાના વામજ ગામે જઈ રહ્યા હતા. જે દરમિયાન એકટીવા લઈને રાજપુર પાટિયા પાસે પહોંચતા પાછળથી આવી રહેલા એક ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતુ. જ્યાં તેમનો 11 માસનો દીકરો માં વગરનો નાદાર બન્યો છે. આજે આશાબેનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતીમ વિદાય આપવામાં આવી હતી.
કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આશાબેન રબારી કે જેઓ વામજ ગામના વતની છે. જેઓના લગ્ન આશરે દોઢેક વર્ષ પૂર્વે અંબાસણ ગામે રાજુભાઈ રબારી સાથે સમાજના રીત રિવાજ પ્રમાણે થયા હતા. તેઓ 2016-17 પોલીસની નોકરીમાં લાગ્યા હતા. આશરે દોઢ એક મહિના પૂર્વે તેઓની કડી ખાતે બદલી થઈ હતી. આશાબેન રબારી હાલ નંદાસણ પોલીસ સ્ટેશનમાં એટેચ તરીકે ફરજ બજાવતા હતા. અંબાસણ ગામ ખાતે પોતે રહેતા હતા, પરંતુ તેમની માતાની તબિયત નાતંદુરસ્ત હોવાથી છેલ્લા ચાર દિવસથી પોતાના પિયર વામજ ખાતે પોતાના દીકરા સાથે ગયા હતા.
બુધવારે પોતાની ફરજ અદા કરીને પોતાનું એકટીવા લઈને પોતાના પિયર વામજ ગામે જઈ રહ્યાં હતા. તે દરમિયાન તેઓ કડી તાલુકાના રાજપુર પાટિયાથી છત્રાલ તરફ જઈ રહ્યા હતા અને પાછળથી આવી રહેલા એક હેવી ટ્રક ચાલકે ટક્કર મારતાં આશાબેન રબારી રોડ ઉપર પછડાયા હતા. જ્યાં અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને નંદાસણ પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ તેમના પરિવારજનોને જાણ કરાતા તેમના પતિ રાજુભાઈ રબારી પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આશાબેન રબારીને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી. આશાબેનને 11 માસનો વેદ નામનો દીકરો છે જે માતાના કરુણ મોત નીપજતા માતા વગરનો નોંધારો બની ગયો છે.