અમરેલી, તા.૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ (બુધવાર) શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં તા.૧૬-૧૧-૨૦૨૨ થી તા.૨૩-૧૧-૨૦૨૨ દરમિયાન અમરેલી સ્થિત શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે કરવામાં આવેલા મોતિયાના ઓપરેશન પછી કેટલાક દર્દીઓને આંખમાં દુ:ખાવો, સોજો તથા દ્રષ્ટિને લગતી ફરિયાદ હોવાનું જોવા મળ્યું હતું તે પૈકીના કેટલાક દર્દીઓને અત્રેની હોસ્પિટલમાં ફોલોઅપ કરીને તપાસીને સારવાર કરતા સારું થયું છે. આ ઉપરાંત ૧૧ દર્દીઓને વધારે તપાસ તથા સારવાર સારું આગળના મોટા કેન્દ્ર પર રીફર કરવામાં આવ્યા હતા, ત્યાં સારવાર પૂરી થતાં ૬ દર્દીઓને રજા આપવામાં આવી છે તથા બાકીના ૫ દર્દીઓને ટૂંક સમયમાં ડીસચાર્જ મળશે. અત્રેની હોસ્પિટલ ખાતે આંખનો અલાયદો વિભાગ અલાયદું ઓપરેશન થિયેટર, તપાસ તથા સારવારના આધુનિક સાધનો ઉપલબ્ધ છે. ઓપ્થોમોલોજીમાં સ્પેશ્યાલિસ્ટની ડિગ્રી ધરાવતા હોય તેવા અનુભવી ડોક્ટર્સ પણ સેવારત છે, લાંબા સમયથી સતત સફળતાપૂર્વક અનેક ઓપરેશનો કરવામાં આવ્યા છે. ઓપરેશન અગાઉ પૂરતી તપાસ રિપોર્ટ તથા ડાયાબિટીસ, બીપી, વગેરેને કંટ્રોલ કરવામાં આવે છે. તમામ સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ્સનું પાલન કરીને ઓપરેશન થિયેટર, સાધન સામગ્રી, સ્ટરીલાઈઝડ (જંતુમુક્ત) કરવામાં આવે છે, તેના ટેસ્ટ અને રેકોર્ડ રાખવામાં આવે છે. આવું આકસ્મિક કોમ્પલિકેશન ક્યા સંજોગોવશાત થયા છે તેની વિગતવાર તપાસ થઇ રહી છે. મોતિયાના દર્દીઓને આવવા-જવાની દાખલ થવા તથા જમવાની, રિપોર્ટની, મોંઘી દવાઓની તથા આઇ.ઓ.એલ. (નેત્રમણી) મૂકવાની તમામ સુવિધાઓ લાંબા સમયથી વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. સદર બનાવમાં અસર પામેલ તમામ દર્દીઓને તુરંત જ તપાસ કરીને તાકીદે હાઈલેવલની સારવાર હેઠળ મૂકવામાં આવ્યા હતા. વધારે તપાસ અને સારવારના જરૂરિયાત હોય તેવા દર્દીઓને વાહનની સુવિધા સાથે ખાસ ભલામણ સહિત દાખલ થવાની વ્યવસ્થા ગોઠવીને રેટીના એક્સપર્ટ વાળી સુપર સ્પેશ્યાલિસ્ટ ધરાવતી વધુ મોટી હોસ્પિટલ ખાતે રીફર કરીને કાળજીપૂર્વક તાકીદની તપાસ અને સારવાર કરાવવામાં આવી હતી. જેના લીધે વધારે નુકશાન નિવારી શકાયું હતું. આગળ ઉપર પણ આ દર્દીઓને જરુરી ફોલો અપ તપાસ કે સારવારની સુવિધા મળી રહે તે માટે પૂરતા પ્રયાસો શરુ છે. આવા કોમ્પ્લીકેસન્સ નિવારી શકાય તે માટેની જરુરી સલામતી સાવધાની અને ક્ષતિપૂર્તિ સારું તાકીદે કડક પુન:નિરિક્ષણ તથા ફોલોઅપ ગોઠવવામાં આવ્યું હોવાનું શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.