વિધાનસભાની ચૂંટણીમાં ઝાલાવાડની તમામ 5 બેઠક ઉપર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે ત્યારે સોમવારે નવા મંત્રીમંડળની રચના થઈ હતી. પહેલી જ વાર વિધાનસભાની ચૂંટણી લડીને જિલ્લામાં સૌથી ‌વધુ મતથી જીતેલા વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાને નાયબ મુખ્ય દંડક બનાવીને નવા મંત્રીમંડળમાં ઝાલાવાડને પ્રતિનિધિત્વ અપાયું છે.મહત્ત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં વસતા સતવારા સમાજને રાજી રાખવા જિજ્ઞાબહેન પંડ્યાને બદલે છેલ્લી ઘડીએ મકવાણાને ટિકિટ અપાઈ હતી. અને મંત્રીમંડળમાં સ્થાન આપવા પાછળ પણ આ મુખ્ય કારણ હોવાનું મનાય છે. સાથે જ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યાનો અનુભવ તથા પ્રશ્નોત્તરીમાં પણ સારી આવડતને કારણે વિધાનસભા ગૃહમાં તેમની હાજરી આવશ્યક હોવાનાં કારણો સાથે જગદીશભાઈને નાયબ મુખ્ય દંડકનો દરજ્જો અપાયો હોવાનું પણ કહેવાય છે.સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વિધાનસભાની ચૂંટણીમા ભાજપની એક જ બેઠક આવી હતી. બાદમાં પેટા ચૂંટણીમાં ધ્રાંગધ્રા અને લીંબડી બેઠક ભાજપે જીતી હતી. તે સમયે લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણાને વન અને પર્યાવરના કેબીનેટ મંત્રી બનાવ્યા હતા. ત્યારે આ વિધાનસભાની ચૂંટણીમાં તો ઝાલાવાડના લોકોએ ખોબલે અને ધોબલે મત આપીને ભાજપના તમામ ઉમેદવારોને ભવ્ય લીડથી જીત આપવીને તમામ 5 બેઠક ઉપર ભગવો લહેરાવ્યો હતો.અને આથી જ સોમવારે જાહેર થનાર મંત્રી મંડળમાં ઝાલાવાડને સ્થાન મળે તેવી આશા બંધાઇ હતી.પરંતુ પ્રથમ યાદીમાં જે નામો જાહેર કરવામાં આવ્યા તેમાં જિલ્લાના ધારાસભ્યોને સ્થાન ન મળતા ભાજપના કાર્યકર્તાઓની સાથે લોકોમાં પણ નીરસા જોવા મળી હતી.પરંતુ સાંજે વઢવાણ ના ધારાસભ્ય અને જિલ્લામાં સૌથી વધુ 65 હજારથી પણ વધારે લીડથી જીતનાર જગદીશ મકવાણાને સરકારમાં નાયબ મુખ્ય દંડકનો દરજ્જો આપવામાં આવ્યો છે. સચિવાલયમાં તેમની ઑફિસ પણ રહેશે અને રાજ્ય કક્ષાના મંત્રીને મળવાપાત્ર ભથ્થાં, મોભો, પગારની સાથે તમામ સગવડતા પણ મળશે.આ બાબતે રાજય સરકારના નવનિયુકત નાયબ મુખ્ય દંડ જગદીશ મકવાણાએ જણાવ્યુ કે જિલ્લાના જે પડતર પ્રશ્નો છે તેનો પહેલો ઉકેલ લાવવાની દિશામાં કામ કરવું છે. આ ઉપરાંત જે 4 તાલુકામાં પીવાનાં અને સિંચાઈનાં પાણીની મુશ્કેલી છે તેને દૂર કરવી છે. જ્યારે અંતરીયાળ ગામડાના રસ્તા અને ઉધોગોના વિકાસ સાથે રોજી રોટી વધે તે માટે પ્રયાસ કરીશુ.