ભુજ સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનો
"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાશે : મંદિર પર શાનથી લહેરાવશે રાષ્ટ્રધ્વજ
ભુજ ધામના મહંત સાંખ્યયોગી પૂજય સામબાઇ ફઇએ ભારતવાસીઓ ,કચ્છવાસીઓ અને દેશ-વિદેશના હરીભક્તોને તુલસી કયારે દીપ પ્રજવલિત કરીને ઘરે ઘરે તિરંગો લહેરાવવા કરી અપીલ
ભુજ: ''હર ઘર તિરંગા'' અભિયાન સમગ્ર દેશમાં તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ સુધી ચાલનારૂ છે. જે અનુંસધાને માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવા દરેક દેશવાસીઓને હાકલ કરી છે. વડાપ્રધાનશ્રીએ દરેક ઘર, દુકાન, શેરી, જાહેર સ્થળો, કોમર્શીયલ ઇમારતો, ઉદ્યોગ સંસ્થાનો વગેરે જગ્યાએ નાગરીકો શાનથી આપણા ગૌરવ રાષ્ટ્રધ્વજને પુરતા માન-સન્માન સાથે લહેરાવે તેવો અનુરોધ કર્યો છે. ત્યારે આ અભિયાનમાં કચ્છ જિલ્લાનું ભુજ સ્વામિનારાયણ મંદિર ધામ પણ જોડાયું છે. સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનોએ દેશવાસીઓ, કચ્છીઓ અને દેશ-વિદેશમાં વસતા હરિભક્તોને અચુકપણે દેશભક્તિને ઉજાગર કરતા આ ''હર ઘર તિરંગા'' અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.
ભુજ ધામના મહંત સાંખ્યયોગી પૂજય સામબાઇ ફઇએ ભારતવાસીઓ , કચ્છવાસીઓ તથા દેશ-વિદેશમાં વસતા હરિભક્તોને "હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા અપીલ કરતા જણાવ્યું હતું કે, આપણી આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે. ત્યારે તા.૧૩ થી ૧૫ ઓગષ્ટના ત્રણ દિવસ દરેક નાગરીક તુલસીના કયારે દીપ પ્રજવલિત કરીને પોતાના ઘરે યોગ્ય ઉંચાઇએ માન-સન્માન સાથે અચુક તિરંગો લહેરાવે. તિરંગો આપણું ગૌરવ છે ત્યારે ગૌરવને જાળવી રાખવું આપણી ફરજ છે. દરેક નાગરીકે ઘર ઉપરાંત દુકાન, કોમર્શિયલ ઇમારત, ઉદ્યોગ વગેરે જગ્યાએ પણ રાષ્ટ્રધ્વજ ફરકાવવો. અમે પણ આ અભિયાનનો ભાગ બનીને સ્વામિનારાયણ મંદિર ભુજ પર તા.૧૩ થી ૧૫ સુધી આપણી શાનસમા તિરંગાને લહેરાવશું ત્યારે સૌ નાગરીકો પણ અભિયાનમાં જોડાય તેવો અનુરોધ છે. મહંતશ્રીએ દેશના વડાપ્રધાનશ્રી દીર્ઘાયુ બને અને આજ રીતે ભારતનો વિકાસ કરતા રહી દેશવાસીઓને સુખી કરે તેવા અંતરથી આર્શીવાદ પણ આપ્યા હતા.