અમદાવાદ શહેરમાં આવેલ વાડજ વિસ્તારમાં જુગાર ચાલી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે હનુમાન મંદિરની ચાલીમાં રેડ કરી હતી. આ રેડમાં પોલીસે મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી કુલ 32 હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના વાડજના ઔડાના ટેકરા પાસેના હનુમાન મંદિરની ચાલીમાં જુગાર ચાલી રહ્યો હતો. જેની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે તે જગ્યા પર વોચ રાખી રેડ કરી હતી. આ રેડમાં જુગાર રમતી બે મહિલા સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ભગવાનભાઈ તેમના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી. અગાઉ જુગારના ગુનામાં પકડાયેલાં કમલાબેન ઔડાના ટેકરા પાસેના હનુમાન દાદાના મંદિરની બાજુમાં પોતાના મકાનની ઓસરીમાં બહારથી માણસો બોલવીને જુગાર રમાડી રહ્યાં છે.
બાતમીને આધારે પોલીસે આ જગ્યાએ દરોડો પાડ્યો હતો. જોકે પોલીસને જોઈને જુગાર રમી રહેલી મહિલાઓ અને પુરુષો ભાગી ગયા હતા. આ દરોડા દરમિયાન બે મહિલા સહિત ચાર લોકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. બાદમાં તમામનાં નામ-ઠામ પૂછતાં તેમની ઓળખ કમલાબેન ઓડ (ઉં.વ.60), જમનાબેન રાઠોડ (ઉં.વ.19), વિશાલ પરમાર (ઉં.વ.23) અને કિરીટ ઉર્ફે ટેમ્પો મકવાણા (ઉં. વ. 29) તરીકે થઈ હતી. વાડજ પોલીસે જુગારની સામગ્રી સહિત કુલ રૂ.32 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.