કડી શહેરની અંદર છેલ્લા એક અઠવાડિયાની અંદર ત્રણથી 4 ઘરફોડ ચોરીના બનાવ બનતા કડી શહેરના લોકો ભયના ઓઢા હેઠળ જીવી રહ્યાં છે. કડીમાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોએ માઝા મૂકી દીધી છે. ત્યારે કડી શહેરની સિવિલ કોર્ટની સામે જ તસ્કરોએ ઘરની અંદર હાથ ફેરો કરીને લાખો રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જતા પરિવારને રોવાનો વારો આવ્યો છે.
કડી શહેરમાં આવેલી સિવિલ કોર્ટની સામે કલોલ દરવાજા દંતાણી વાસમાં રહેતા દશરથ પટણી કે જેઓ ફ્રુટનો વ્યવસાય કરે છે અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યાં છે. ત્યારે તેઓ ગઈકાલે પરિવાર સાથે કૌટુંબીના લગ્ન હોવાથી અમદાવાદ મુકામે ગયા હતા અને સવારે તેમના પડોશીઓએ તેમને જાણ કરી હતી કે તેમના ઘરનું લોક તૂટ્યું છે. પરિવારને પડોશીઓ દ્વારા જાણ કરાતા દશરથભાઈના પરિવારની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તેઓ તાત્કાલિક પરિવાર સાથે કડી આવી પહોંચ્યા હતા. ઘરની અંદર જોતા ઘરમાં લોખંડના કબાટ તેમજ તિજોરોની અંદર મુકેલા લાખો રૂપિયા તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યુ હતું.
કડી સિવિલ કોર્ટની બિલકુલ 50 મીટરના અંતરે જ ચોરી થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. કલોલ દરવાજા પાસે રહેતા દશરથ પટણી કે જેઓ લગ્ન પ્રસંગ માટે અમદાવાદ મુકામે ગયા હતા અને ઘરનું લોક તૂટ્યું હતું. જ્યારે ઘરે આવીને જોતા તસ્કરો ઘરના ધાબા ઉપરનું દરવાજાનું લોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો રોકડ રકમ આશરે રૂ. 2 લાખ 50 હજાર તેમજ 48 હજારના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. જ્યારે દશરથભાઈ પટણીએ થોડાક મહિનાઓ બાદ પોતાની દીકરીના લગ્ન હોવાથી પૈસા ભેગા કર્યા હતા અને સોના ચાંદીના દાગીનાની ખરીદી પણ કરી હતી. પરંતુ તેમના જ ઘરેથી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ જતા પરિવાર અશ્રુધારે રડી પડ્યો હતો. કડી પોલીસને જાણ કરાતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ઘરી હતી.