વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આવતીકાલે જાહેર થનારા પરિણામો પર સૌની નજર મંડાયેલી છે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત મત ગણતરીની પેટર્ન બદલાશે. બેલેટ પેપર અને ઈવીએમ એકસાથે ખોલવામાં આવશે. કાલે જ મતગણતરી થવાની હોવાથી શહેરો અને જિલ્લાઓમાં મતગણતરી કેન્દ્રો પર ત્રી સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા સિનિયર સિટીઝન અને પોલીસ કર્મી તેમજ અન્ય સુરક્ષા કર્મીઓએ કર્યું હતું બેલેટથી મતદાન. 

આ પેટર્ન બદલાશે 

ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીની મતગણતરી દરમિયાન બેલેટ પેપર અને ઈવીએમ એકસાથે ખોલવામાં આવશે અને બેલેટ પેપર અને ઈવીએમના મતોની ગણતરી પણ એક સાથે થશે. પહેલા એવું બનતું હતું કે, પહેલા બેલેટ પેપરની ગણતરી કરવામાં આવતી હતી અને પછી EVM ખોલીને મત ગણતરી શરૂ થતી હતી પરંતુ આવતી કાલે મતગણતરીમાં પેટર્ન બદલાઈ છે. આમ ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે ઈવીએમ અને બેલેટ પેપરની ગણતરી એક સાથે થશે.

આ જગ્યા પર થશે મતગણતરી 

વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનીક કોલેજ ખાતે યોજાશે. તો અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલિટેકનિક કોલેજની તમામ 21 બેઠકોની ગણતરી થશે. આ તરફ ભાવનગરની એન્જીનીયરીંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગર પોલીટેકનીક કોલેજમાં મતગણતરી થવા જઈ રહી છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.