સાસણ વિસાવદર હાઈવે પર એક સિંહને વન વિભાગના કર્મચારી દ્વારા સહીસલામત જંગલ તરફ દોરી જતા હોય તેવો ફોટો વાયરલ થયો છે.
જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં સિંહોના લટાર અને રહેણાંક વિસ્તારમાં સિંહ આરામ ફરમાવતાં હોય તેવી તસવીરો ઘણી વખત સામે આવતી હોય છે, ત્યારે જૂનાગઢથી એક એવી જ તસવીર સામે આવી છે, જે તમને જરૂર આશ્ચર્યચકિત કરશે. ગત 4 તારીખના રોજ સાસણ વિસાવદર હાઈવે પર એક સિંહને વન વિભાગના કર્મચારીઓ દ્વારા સહીસલામત જંગલ તરફ દોરી જતા હોય તેવો ફોટો વાઈરલ થયો છે. આ ખૂબ જ સુંદર તસવીર છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે વન વિભાગના કર્મચારીઓ નિડરતાથી પોતાની ફરજ નિભાવે છે.
સિંહની ચિંતા અને વનકર્મીની નિડરતા
સામાન્ય રીતે સૂર્યોદય થાય તે પહેલા સિંહ પોતાના રહેઠાણ જંગલમાં જતા રહે છે. આવામાં વહેલી સવારે એક સિંહ સાસણ વિસાવદર હાઈવે પર નજરે પડ્યો હતો ત્યારે વન વિભાગના કર્મચારીઓ દ્વારા સિંહને કોઈ તકલીફ ન પડે, તેમજ અહીંથી પસાર થતાં વાહનોને લઈ સિંહને કોઈ ઈજા કે અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગના કર્મી દ્વારા તેને સહીસલામત જંગલ તરફ દોરી ગયા હતા. આ ફોટો વાયરલ થતાં સિંહની સુરક્ષા અંગે વન વિભાગના કર્મીઓ કેવું જોખમ ઉઠાવતા હશે તે નજરે પડ્યું હતું.
હાથમાં લાકડી વડે જ સિંહને સલામત સ્થળે ખસેડે છે
સામાન્ય રીતે સિંહનું નામ આવતાં જ તેની ગર્જનાઓની કલ્પના થતી હોય છે. સિંહ નજર સામે હોય તો સીધી રીતે જ હ્રદયના ધબકારા વધી જતાં હોય છે. આવામાં વન વિભાગના કર્મીઓ દ્વારા નિટરતાથી જોખમ ઉઠાવી સિંહોને સહીસલામત ખસેડવાની કામગીરી ખરેખર સરાહનીય છે. તસવીરમાં જોઇ શકાય છે કે, કેવી રીતે વનકર્મી હાથમાં લાકડી વડે જ સિંહને સહીસલામત સ્થળે ખસેડે છે. હાલ આ તસવીર સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે. સાથે જ લોકો વન વિભાગની કામગીરી અને તેમની નિડરતાને સલામ પણ કરી રહ્યા છે.