મહેસાણા : વિસનગર વિધાનસભા બેઠક માટે 238 બુથો પર મતદાન યોજાયું હતું. જેમાં વિસનગર વિધાનસભા બેઠક પર 238 બુથો પર કુલ 2 લાખ 29 હજાર 547 મતદારો નોંધાયા હતા. આ વિધાનસભાના મતદારોમાંથી કુલ 1 લાખ 58 હજાર 647 મતદારો એ મતદાન કર્યું હતું. જેમાં સૌથી વધુ મતદાન પુરુષ મતદારોએ કર્યું હતું. જેમાં 85 હજાર 508 પુરુષ મતદારોએ મતદાન કર્યું હતું અને 73 હજાર 139 મહિલા મતદારોએ મતદાન કર્યું હતું. તાલુકાના કિયાદર ગામમાં સૌથી વધુ મતદાન થયું હતું. કિયાદર ગામે 89.04 મતદાન નોંધાયું હતું.
વિસનગર શહેરના બુથ નંબર 18 પર સૌથી ઓછું મતદાન થયું, કિયાદર ગામ સૌથી વધારે મતદાન કરનાર ગામ
વિસનગર વિધાનસભા બેઠક પર ગ્રામ્ય વિસ્તારમાં વધારે મતદાન થયું હતું. જેમાં વિસનગર તાલુકાના કિયાદર ગામે કુલ 456 મતદારોમાંથી 406 મતદારોએ મતદાન કરી તાલુકામાં સૌથી વધારે મતદાન કરનાર ગામ બન્યું હતું. જેમાં છેલ્લા કેટલાય ટર્મથી કિયાદર ગામમાં સૌથી વધુ મતદાન નોંધાય છે. જ્યારે વિસનગર શહેરના બુથ નંબર 18 સૌથી ઓછું મતદાન નોંધાયું હતું. જેમાં આ બુથ પર કુલ 375 મતદારોમાંથી 181 જ મતદારો એ મતદાન કરતા સૌથી નીચું મતદાન નોંધાયું હતું.
વિસનગર વિધાનસભા બેઠક પર શાંતિપૂર્ણ મતદાન થયું હતું. જેમાં મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમની ચકાસણી કર્યા બાદ તાલુકાના બાસણા મર્ચન્ટ કોલેજ ખાતે બંદોબસ્ત સાથે મોકલી આપવામાં આવ્યા હતા. જેની 8 તારીખે મત ગણતરી કરવામાં આવશે.