કડી : કડી તાલુકાના કલ્યાણપુરા ગામમાં સામાન્ય બાબતમાં બે જૂથો વચ્ચે મારામારી થવા પામી હતી. જે બાદ બન્ને પક્ષોએ સામસામે કડી તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી બાવલુ પોલીસે કુલ 26 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કડી તાલુકાના કલ્યાણપુરા ગામે રહેતા કાનજીભાઈ પટેલ કે જેવો ગામની અંદર જ રહે છે અને ખેતી કરીને પોતાનું તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. કલ્યાણપુરા ગામની અંદર જ તેઓનું નવું મકાન બનતું હોવાથી તેઓ અને તેમનો પુત્ર તેમજ તેમના પત્ની સહિતના પરિવારજનો નવા મકાનની આગળ ઉભા હતા. તે દરમિયાન ગામની અંદર દૂધ વેચવા માટે આવતો ઈસમ જયેશ રબારી રહે. પાલી ત્યાં આગળથી નીકળ્યો હતો. જેથી કાનજીભાઈએ કહ્યું કે, જયેશ થોડા દિવસ માટે બીજા રસ્તેથી દૂધ આપવા માટે જજે. અમારા મકાનનું કામ ચાલી રહ્યું છે, તેથી મકાનનો સામાન રોડ ઉપર પડ્યો છે. જેવું કહેતા જયેશ ઉશ્કેરાઈ જઈને ગાળાગાળી કરવા લાગ્યો હતો.

જ્યાં કાનજીભાઈના પુત્રએ ગાળો બોલવાની ના પડતાની સાથે જ જયેશ ઉશ્કેરાય જઈને કહેવા લાગ્યો કે, હું આ જ રસ્તેથી જ નીકળીશ, તમારાથી જે થાય તે કરી લેજો. તેવું કહીને જયેશ રબારી ત્યાંથી નીકળી ગયો હતો. થોડાક ટાઈમ પસી કાનજીભાઈ સહિતના પરિવારજનો તેમના ઘરે જતા રહ્યા હતા. જ્યાં જયેશ તેના પિતા સહિત કુલ 19 જણાનું ટોળું કાનજીભાઈના ઘરે ઘસી આવ્યું હતું અને કાનજીભાઈના પરિવારજનો ઉપર હુમલો કર્યો હતો.

જ્યાં કાનજીભાઈના પરિવારજનોમાં ચાર જણોને ઇજાઓ પહોંચી હતી. જેવોને સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોટો ઝઘડો થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઝઘડાને શાંત પાડ્યો હતો. ત્યાં આવેલા 19 જણાનું ટોળું સ્થળ ઉપરથી ભાગી ગયું હતું.

જ્યાં બીજા પક્ષે જયેશભાઈ રબારીએ પોલીસ સ્ટેશન ખાતે કાનજીભાઈ સહિતના સાત ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતુ કે, જયેશભાઈ રબારી કલ્યાણપુરા ગામે દૂધ વેચવા માટે આવ્યા હતા અને ગામની અંદર દૂધ વેચવા માટે જતા હતા. જે દરમિયાન ગામના પ્રવીણભાઈ પટેલ ત્યાં આગળ ઉભા હતા અને રસ્તા ઉપર માટી તેમજ કપચીનો ઢગલો કરેલો હતો. જ્યાં પ્રવીણભાઈ જયેશને કહેલ કે, માટીનો અને કપચીનો ઢગલો કરેલો છે, તને દેખાતું નથી? હવે આ રસ્તેથી તું નીકળતો નહીં.

તેમ કહેતા જયેશે કહ્યું કે, હું આ રસ્તેથી રોજ જાઉં છું અને મારે રોજનો રસ્તો છે. જેવું કહેતા જ પ્રવીણભાઈ સહિતના લોકોએ જયેશે સાથે ગાળાગાળી કરી હતી. જ્યાં જયેશે તેમના પિતા સહિતના કુટુંબીજનોને ફોન કરીને જાણ કરતાં તેમનો પરિવાર કલ્યાણપુરા ગામ ખાતે આવી પહોંચ્યો હતો અને નજીવી બાબતમાં ઝઘડો થયો હતો. જ્યાં ઝઘડામાં જયેશ સહિત તેના પિતા સહિતના લોકોને ઈજાઓ પહોંચતા તેમને પણ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘટનાની જાણ પોલીસને થતા બાવલુ પોલીસ સહિતનો કાફલો કલ્યાણપુરા ગામ ખાતે આવી પહોંચ્યો હતો. બંને પક્ષોની ફરિયાદો લઈને કુલ 26 લોકો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.