ફતેપુરા તાલુકાના સુખસર બસ સ્ટેશન વિસ્તાર હાઈવે માર્ગ ઉપર ચોવીસ કલાક અવરજવર કરતાં વાહનોથી ધમધમતા રહેતા વિસ્તારમાં શનિવાર રાત્રીના બે કરીયાણાની દુકાનોમાં ત્રણ જેટલા જાણભેદુ તસ્કરો દ્વારા સવા ત્રણ લાખ રૂપિયાની માલમત્તાની ચોરી કરી પલાયન થઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.તેમાં બસ સ્ટેશન ચોકડી પાસે કરિયાણાની દુકાન ધરાવતા હીરાલાલ મોતીલાલ કલાલ શનિવાર સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાની દુકાનને તાળા મારી રહેણાંક મકાન ઉપર ગયા હતા. ત્યારબાદ રાત્રીના સમયે કોઈ જાણ ભેદુ તસ્કરોએ દુકાનના ધાબા ઉપર આવેલ લોખંડના દરવાજાને નીચેથી વાળી દઈ તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા.અને દુકાનમાંથી રૂપિયા 3600/- નું પરચુરણ તથા રૂપિયા 3200/- ની ચલણી નોટો સહિત સાબુ,બદામ,કાજુ, બીડી,બિસ્ટોલ,બેટરી,દોરડું વગેરે રૂપિયા 20,500 ની ચોરી કરી 20,000/- હજાર રૂપિયાના સી.સી.ટી.વી કેમેરાની તોડફોડ કરી કુલ ₹40,500/_ નું નુકસાન પહોંચાડી ગયેલ હોવાનું જાણવા મળે છે.

જોકે ગત જુલાઈ-2022 માં નગીનભાઈ કલાલ તથા આસપાસમાં આવેલ અન્ય બે દુકાનોમાં તસ્કરો લાખો રૂપિયાની માલમતા ચોરી કરી ગયેલા હતા.તે સમયે પણ એક તસ્કર સી.સી.ટી.વી કેમેરામાં કેદ જણાતો હતો પરંતુ તેની આદિન સુધી કોઈ તપાસ થઈ નથી કે તસ્કર સુધી પોલીસ પહોંચી શકી નથી. ત્યારે આ જ દુકાનોમાં પાંચ મહિનામાં બીજી વાર ચોરી થઈ છે અને ચોરી કરનાર તસ્કરો સીસીટીવી કેમેરામાં આસાનીથી ઓળખી શકાય તેમ જણાઈ રહ્યા છે ત્યારે સુખસર પોલીસ તસ્કરો સુધી પહોંચી શકશે કે કેમ?તે એક સવાલ છે.

જ્યારે બાજુમાં રહેતા નગીનભાઈ દીપચંદભાઈ કલાલ નાઓ પણ કરિયાણાની દુકાન ધરાવે છે.જેઓ એ પણ ગતરોજ રાત્રીના સાતેક વાગ્યાના અરસામાં પોતાની દુકાનને તાળા મારી પોતાના રેણાક મકાન ઉપર ગયા હતા.ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે જાણભેદુ તસ્કરોએ દુકાનના મકાનના ધાબા ઉપર ઉજાસ માટે રાખેલ લોખંડની જાળી તોડી તસ્કર લોકો દુકાનમાં પ્રવેશ્યા હતા.અને વિમલ,સિલ્વર,પાનપડીકી,બીડી,તમાકુ, ,કોલગેટ,સાબુ,તેલ જેવી કરિયાણાની ચીજ વસ્તુઓ સહિત પરચુરણ રૂપિયા 1000/- મળી કુલ ₹2,56,200 ના સામાનની ચોર લોકો ચોરી કરી ₹ 28,000/- ના સી.સી.ટી.વી કેમેરાની તોડફોડ કરી કુલ ₹2,84,200/-નું નુકસાન પહોંચાડી જાણભેદુ તસ્કરો પાછળની બાજુએથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળે છે.

અત્રે ખાસ નોંધનીય બાબત છે કે, જો આ ચોરીમાં સુખસર પોલીસ રસ દાખવી તપાસ હાથ ધરે તો ગત રોજ રાત્રિના આ બે દુકાનોમાં ચોરી કરી જનાર તસ્કરો સી.સી‌.ટી.વી કેમેરામાં ચોખ્ખી રીતે કેદ થયેલા જણાઈ રહ્યા છે.અને આસાનીથી તેમનું પગેરું મેળવી ઝડપી શકાય તેમ હોવાનું પણ જણાઈ રહ્યું છે.