બોટાદમાં આઝાદીના અમૃત મહોત્સવને સાર્થક કરતી યુવાપ્રિય 'પહેલ' : સરકારી પ્રકાશનો સાથેના વાંચનલય તેમજ પુસ્તક પરબનો કલેક્ટરશ્રીના વરદહસ્તે શુભારંભ

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દેશભરમાં આઝાદીનાં અમૃત મહોત્સવની અમૃત ઉજવણી થઈ રહી છે ત્યારે બોટાદ જિલ્લામાં પણ આ ૭૫ વર્ષની ઊજવણીને સાર્થક કરતી 'પહેલ'નો શુભારંભ થયો છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા માહિતી કચેરીનાં સંયુક્ત અભિનવ પ્રકલ્પ- “પહેલ” થકી જિલ્લાના તમામ વાંચનયોગીઓને હવે સુગમ અને સરળ રીતે એક જ સ્થળેથી તમામ સરકારી પ્રકાશનો વાંચવાનો લાભ મળશે.

કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા રોજગાર અધિકારીશ્રી પ્રશાંત ત્રિવેદી અને સહાયક માહિતી નિયામકશ્રી રાધિકા વ્યાસ દ્વારા આરંભાયેલ નવતર પ્રયોગ વાંચનાલય અને પુસ્તક પરબનો કલેક્ટરશ્રી બિજલ શાહના વરદહસ્તે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણાની પ્રેરક ઉપસ્થિતીમાં આજે શુભારંભ કરવામાં આવ્યો હતો. સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોને એક જ સ્થળ પર જરૂરી તમામ પુસ્તકો મળી જાય અને પરીક્ષાલક્ષી તૈયારીઓ સરળ બનાવવાના હેતુથી પુસ્તક પરબ “પહેલ”ની શરૂઆત કરવામાં આવી છે.

 આ અવસરે કલેક્ટરશ્રીએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. બોટાદ માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા પુસ્તક પરબ સ્વરૂપે નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. બંને કચેરીની આ પ્રસંશનીય કામગીરીને બિરદાવતા કલેક્ટરશ્રીએ ઉમેર્યું હતું કે, આ પ્રકલ્પ થકી જિલ્લાના યુવાનો ઉજ્જવળ કારકિર્દીના સોપાનો સર કરી શકશે તેમજ વાંચનરસિકોને પુસ્તકો પોતાના ઘરે લઈ જઈને વાંચવાનો અવસર મળી રહ્યો છે. આ અભિનવ પહેલથી તમામ લોકો સારી રીતે લાભાન્વિત થાય તેવી કલેક્ટરશ્રીએ શુભકામના પાઠવી હતી.

 આ તકે ડી.ડી.ઓશ્રી પી.ડી.પલસાણાએ જિલ્લા માહિતી કચેરી અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીને શુભકામના પાઠવી જણાવ્યું હતું કે, યુવાનોને વાંચન પ્રત્યે રૂચિ વધારવા અને પુસ્તકો સરળતાથી મળી રહે તે માટે આ પ્રશંસનીય પહેલથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને નવી દિશા મળશે. સરકારી કર્મચારીઓ પણ વિશ્રાંતિ કાળ કે કામકાજના સમય બાદ પુસ્તક પરબમાં આવી વાંચન કરી પોતાના જ્ઞાનમાં વધારો કરી શકશે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે કલેક્ટરશ્રી તેમજ ડીડીઓશ્રીના વરદ હસ્તે દીપપ્રાગટ્ય થકી સંવિધાન વંદના સાથે પુસ્તક પરબની યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બંને મહાનુભાવોએ તમામ પુસ્તકો નિહાળી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે બન્ને કચેરીના કર્મચારીઓ તેમજ દિવ્યાંગ વાંચનરસિકો ઉપસ્થિત રહ્યાં હતાં. 

 જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે પુસ્તક પરબ પહેલની શરૂઆત કરવામાં આવી છે. સવારના ૧૧:૦૦ કલાકથી ૫:૦૦ કલાક સુધી વાંચન ખંડ સાથેનું પુસ્તકાલય કાર્યરત છે. “પહેલ” પ્રકલ્પની તમામ સેવાઓ નિ:શુલ્ક છે. વધુ વિગત અને માર્ગદર્શન માટે રોજગાર સેતુ કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરી શકાશે.