2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આગલી રાત્રે કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ સંતરામ કુટીર સોસાયટીમાં એક જ રાતમાં છ મકાન અને કૌશલ્ય બંગ્લોઝમાં એક મકાનનું તૂટતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો હતો. કડી તાલુકાના નાની કડી વિસ્તારમાં આવેલ સંતરામ કુટીર સોસાયટીમાં એકી સાથે અને એક જ રાતમાં અલગ અલગ 6 મકાનોના તોડી તસ્કરો ચડ્ડી બનિયાન ધારી લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જતા રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. રહીશો દ્વારા કડી પોલીસને જાણ કરાતા કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પાંચમી ડિસેમ્બરે યોજાનાર હતી અને તેની આગલી જ રાત્રે એક જ સોસાયટીમાં એકી સાથે છ મકાનોના તાળા તૂટ્યા હતા. સંતરામ કુટીર સોસાયટીમાં રહેતા રાહુલ આચાર્ય અને તેમના પત્ની શિક્ષક તરીકેની નોકરી કરી રહ્યાં છે. તેઓને ચૂંટણીમા ફરજ નિભાવવાની હોવાથી તેઓ ગઈકાલે સવારથી જ તેઓ ઘરને લોક મારીને અલગ અલગ જગ્યાએ ચૂંટણીની ડ્યુટી નિભાવ માટે ગયા હતા. જ્યાં ગત રાત્રે તેઓના પડોશીઓએ તેમને જાણ કરી હતી. તેમજ કૌશલ્ય બંગ્લોઝમાં રહેતા ભાવેશ પટેલ કે જેઓ પોતાની સાસરી ડરણ ગામે પ્રસંગ હોવાથી ગયા હતા અને તેમના ઘરનું લોક તૂટ્યું હતું. જ્યાં તેઓ બીજા દિવસે ઘરે આવ્યા ત્યારે તેમને પણ જાણ થઈ હતી અને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

નાની કડીની સંતરામ કુટીર સોસાયટીમાં રહેતા રોહિત પટેલ કે તેઓ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમનું વતન કડી તાલુકાના ડરણ ગામે હોવાથી ગામની અંદર પ્રસંગ હોવાથી તેઓ પરિવાર સાથે પોતાના વતને ગયા હતા. જ્યાં તેઓનું પણ મકાન તૂટતા તેમને રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી. જતીન પટેલ તેઓ પોતાના વતન કડી તાલુકાના ખંડેરાવપુરા પરિવાર સાથે મત આપવા માટે ગયા હતા. જ્યાં તેમના મકાનનું તાળું તોડી તસ્કરો ફરાર થઈ જતા તેઓને રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી. સોસાયટીમાં રહેતા નિકુંજ પટેલ તેઓના પરિવારજનો બહારગામ ગયા હતા અને ઘરનું લોક તૂટ્યું હતું. જ્યાં સોસાયટીમાં જ રહેતા નીતિન કે પોતાના વતન કાસ્વા ગામના રહેવાસી છે અને વતનમાં મત આપવા માટે ગયા હતા. તેમના મકાનનું લોક તૂટતા તેમને પણ રહીશો દ્વારા જાણ કરવામાં આવી હતી. સાથે સાથે સોસાયટીમાં બી વિભાગમાં રહેતા દિનેશ વાણંદ કે સોસાયટીમાં જ તેમનું સાસરુ થતું હોવાથી પરિવાર સાથે પોતાના સસરાના ઘરે સુવા માટે ગયા હતા અને તેઓનું મકાનનું પણ લોક તૂટ્યું હતું.

જ્યાં એકી સાથે સાથે સંતરામ કુટીર સોસાયટીમાં છ મકાનોના તાળા તૂટ્યા હતા અને કૌશલ્ય બંગ્લોઝમાં એક મકાનનું તાળું તૂટતા રહીશોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. તસ્કરો 7 મકાનોના લોક તોડીને લાખો રૂપિયાની રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા કડી પોલીસને જાણ કરવામાં આવી હતી કડી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.