ગીરગઢડાના ગીરજંગલ તુલસીશ્યામ નજીક લેરીયાનેસમાં પશુઓને ચરાવતા વયોવૃધ્ધ માલધારી ઉપર અચાનક ખુંખાર માનવભક્ષી દિપડાએ હુમલો કરી દેતા લોહીલોહાણ હાલતમાં ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાવામાં આવ્યાં હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પીટલે રીફર કરાયેલ છે માલઢોર ચરાવતા વૃદ્ધ પર દિપડાનો હુમલો

ગીરગઢડાના જામવાળા ગામે રહેતા વયોવૃધ્ધ માલધારી ભીખાભાઇ ભુરાભાઇ પરમાર (ઉ.વ.65) તુલસીશ્યામ નજીક આવેલ ગીરા લેરીયા નેસ વિસ્તારમાં માલઢોર લઇને ચરાવવા ગયા હતા. ત્યારે બપોરના સમયે અચાનક દિપડો આવી ચડ્યો હતો અને ભીખાભાઇ પરમાર કઇ વિચારે તે પહેલા તેના પર તરાપ મારતા અને મોઢાના ભાગે પંજો મારી ગંભીર ઇજા સાથે પછાડી દીધા હતા. આ દિપડાના હુમલાથી ઘવાયેલ વયોવૃધ્ધ ખુંખાર વન્યપ્રાણીથી બચવા પ્રયત્ન કરેલ અને મહામુસીબતે બચ્યા હતા.હાલત ગંભીર હોવાનું તબીબે જણાવ્યું આ હુમલામાં ભીખાભાઇ પરમારને માથા, મોઢા, હાથ- પગના ભાગે ગંભીર ઇજાઓ કરતા લોહીલોહાણ હાલતમાં તાત્કાલીક ખાનગી વાહનમાં પ્રથમ ઉના સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડાયેલ અને વધુ સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયેલ છે. ત્યાં તેમની હાલત ગંભીર હોવાનું તબીબે જણાવેલ છે. આ બનાવ બનતા જશાધાર રેન્જના વનવિભાગ અધિકારી દોડી ગયેલ હતા.