1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હવે બીજા તબક્કાના મતદાનના ગણતરીના કલાકો બાકી રહ્યાં છે. તંત્ર દ્વારા બીજા તબક્કાના મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. ત્યારે કડી તાલુકા તેમજ શહેરની અંદર કુલ 307 બુથ ઉપર આવતી કાલે પાંચમી ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન યોજાશે. કડી શહેરની અંદર અને તાલુકાની અંદર 307 બુથ ઉપર બીજા તબક્કાનું મતદાન યોજાશે. 

તંત્ર દ્વારા વિકલાંગોને કોઈ પ્રકારની હેરાનગતિ અને મુશ્કેલી ન થાય તે માટે તાલુકા તેમજ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ બુથની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે સખી મંડળ સંચાલિત પાંચ બુથોની પણ વ્યવસ્થા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી છે.

24 વિધાનસભા કડીની બેઠક ઉપર તંત્ર દ્વારા આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પાંચમી ડિસેમ્બરના રોજ સવારે 8 કલાકે મતદાનની શરૂઆત થવાની છે. ત્યારે કડી સર્વ વિદ્યાલય તેમજ કડી નગરપાલિકા દ્વારા ગ્રીન (ઇકો ફ્રેન્ડલી) મતદાન મથક સર્વ વિદ્યાલય કેમ્પસના 144 નંબરના મતદાન મથક ઉપર ઊભું કરવામાં આવ્યું છે. આખું મતદાન મથક ગ્રીન કરવામાં આવ્યું છે. તેમજ સેલ્ફી પોઇન્ટની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કડી વિધાનસભાના ચૂંટણી અધિકારી પી.સી દવે કડી સર્વ વિદ્યાલય ખાતે આવી પહોંચ્યા હતા અને મતદાન મથકોની મુલાકાત લીધી હતી. તેમજ પાંચમી ડિસેમ્બરે 24 વિધાનસભા કડીની બેઠક ઉપર 2 લાખ વધુ મતદારો પોતાનો મત અધિકારનો ઉપયોગ કરશે અને મત આપશે. હવે જોવાનું રહ્યું કે કડીની અંદર કોનો વિજય થાય છે.