ગાંધીનગર : ઉવારસદમા આવેલી કર્ણાવતી કોલેજમા બીબીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનું વહેલી સવારે 3 યુવકોએ અપહરણ કરી લીધુ હતુ. અપહરણકારો વિદ્યાર્થીના મિત્ર પાસે નાણાં માગતા હતા, પરંતુ તેનો મિત્ર રૂપિયા નહિ આપતા તેના મિત્રનું અપહરણ કરી લીધું હતું. આ બાબતની અડાલજ પોલીસ મથકમા ફરિયાદ કરવામાં આવતા કાર્યવાહી કરી હતી. ઉવારસદના હાર્દિક અશોક રામચંદાનીએ ફરિયાદ નોંધાવી હતી કે, ઉવારસદમાં આવેલી કર્ણાવતી કોલેજમા બીબીએનો અભ્યાસ કરે છે.
અગાઉ તેની પાસેના રૂમમાં શિશુપાલસિંહ જાડેજા રહેતો હોવાથી પરિચયમા હતો, તેની સાથે મિત્રતા થયા પછી તેના બે મિત્રો ધનરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ઉદિતરાજસિંહ કૃષ્ણરાજસિ઼હ ઝાલા (બંને રહે, આશાપુરા મેઇન રોડ, ગોંડલ) સાથે મુલાકાત થઇ હતી.મિત્રના મિત્ર સાથે મુલાકાત થયા બાદ બંને વચ્ચે નાણાકીય લેવડ દેવડ થઇ હતી. ત્યારપછી ક્રિષ્ણા ઉદયપુર જતો રહ્યો હતો અને ધનરાજને નાણાં પરત કર્યા ન હતા. જેથી ધનરાજ 50 હજાર રૂપિયા હાર્દિક પાસે માગતો હતો.
હાર્દિકે રૂપિયા આપવાની ના પાડતા શનિવારે સવારે ધનરાજ અને ઉદિત રૂમ પર આવી શિશુપાલને અકસ્માત થયો હોવાનું કહી એક્ટિવા ઉપર બેસાડી લઇ ગયા હતા. ફાટક તરફ લઇ ગયા પછી તું પૈસા આપી દે નહિ તો તને છરીથી હુમલો કરી મારી નાખીશ કહી ધમકી આપી હતી. જેથી વિદ્યાર્થીએ બે વખત ગુગલ પેમા પહેલા 48 હજાર અને પછી 50 હજાર મોકલ્યા હતા.
તેમ છતા બીજા રૂપિયા લેવા ત્રિમંદિર પાસે આવેલા એટીએમમા લઇ જઇ 36 હજાર રૂપિયા સહિત કુલ 1.34 લાખ રૂપિયા પડાવી લીધા હતા. કેમ રૂપિયા મારી પાસે માગે છે તેમ હાર્દિકે કહેતા કહ્યું હતું કે, હું ક્રિષ્ણાને તારા કારણે ઓળખતો હતો. ક્રિષ્ણાએ કહ્યું હતું કે, તું હાર્દિકનુ અપહરણ કરી લઇશ તો તેના ઘરના તાત્કાલિક રૂપિયાની વ્યવસ્થા કરી દેશે. હાર્દિકે ત્રણેય આરોપીઓ સામે અડાલજ પોલીસમા ફરિયાદ નોંધાવી હતી.