વિસનગર : વિસનગર શહેરમાં આઇટીઆઇ પાછળ સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા અને CRPFમાં ફરજ બજાવતા આર્મીમેનના બંધ મકાનનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરો પેટી પલંગમાં મુકેલી રાયફલ ચોરી ગયા હતા. વિસનગર શહેર પોલીસે રૂ.40 હજારની રાયફલ ચોરી અંગે ફરિયાદ નોંધાઇ છે.
સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા નર્મદાબેન મુકેશભાઇ પરમારના પતિ મુકેશભાઇ સીઆરપીએફમાં નોકરી કરે છે અને હાલ ગાંધીધામ ચૂંટણી બંદોબસ્તમાં છે. મુકેશભાઇ અગાઉ જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા હતા ત્યારે તેમણે લાયસન્સવાળી બારાબોર રાયફલ લીધી હતી. તેમના બંને બાળકો અમદાવાદ અભ્યાસ કરતા હોઇ વિસનગરનું મકાન બંધ કરી અમદાવાદ રહે છે.
દિવાળીના તહેવારોમાં મુકેશભાઇ સહિત પરિવાર વિસનગર આવ્યો હતો. જ્યાં તેમની બદલી જમ્મુ-કાશ્મીરથી આસામ થઇ હોવાથી રાયફલ ટ્રાન્સફર કરાવવાની હોવાથી વિસનગર લઇ આવી મકાનમાં મુકી હતી. લાભપાંચમ બાદ નર્મદાબેન તેમનું મકાન બંધ કરી બાળકો સાથે અમદાવાદ જતા રહ્યા હતા. ગુરૂવારે સવારે પાડોશી પરમાર કમલેશભાઇ મોહનભાઇએ નર્મદાબેનને તેમનું મકાન ખુલ્લુ હોવાની જાણ કરતાં તેઓ વિસનગર દોડી આવ્યા હતા. મકાનમાં તપાસ કરતાં પેટીપલંગમાં મુકેલ રાયફલ ગુમ જોતાં તેમણે શહેર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.