ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે પ્રચાર પ્રસારમાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે દરેક પાર્ટીના નેતા પોતાના ઉમેદવારને જીતાડવા માટે જોર લગાડી રહ્યા છે. કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ શો કડીના કમળ સર્કલેથી નીકળીને કડીના દરેક રાજમાર્ગો પર ફર્યો હતો. બીજા તબક્કામાં કડી વિધાનસભા બેઠક પર મતદાન થવાનું છે, ત્યારે દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે અલગ-અલગ પ્રકારના પ્રચાર-પ્રસાર શરૂ થઈ ગયા છે.
કડી કમળ સર્કલ પાસે આવેલ ચૂંટણી લક્ષી મધ્યસ્થ કાર્યાલયથી ભવ્ય સ્મૃતિ ઈરાનીનો ભવ્ય રોડ શો નીકળ્યો હતો. જે પાણીની ટાંકીથી કરણનગરની અલગ-અલગ સોસાયટીઓ, હાઇવે ચાર રસ્તા, પીરબોરડી ઢાળ, મંત્રી રોડ, ટાવર, ગાંધીચોક, ભાગ્યોદય હોસ્પિટલ, ધરતી સીટી, અયોધ્યા રામજી મંદિર, જગાતનાકા, દડી સર્કલ સહિત 5 કિલોમીટરથી વધારે રોડ શો યોજાયો હતો. આ રોડ શોમાં ગુજરાત રાજ્યના પૂર્વના મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસાણા ડિસ્ટ્રીક બેંકના ચેરમેન વિનોદ પટેલ, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રહલાદ પરમાર, એપીએમસી ચેરમેન રાજુ પટેલ, ભાજપના ઉમેદવાર કરસન સોલંકી, નાગરિક બેંકના વા.ચેરમેન ભરત પટેલ સહિતના કાર્યકર્તાઓ તેમજ ગામે ગામથી કાર્યકર્તાઓ અને લોકો ઉમટી પડ્યા હતા.