મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના 

વિસ્તારમાં જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં

છોટાઉદેપુર: તા. ૦૧: 

 છોટાઉદેપુર જિલ્લામાં આગામી તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનારી ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા, જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તેમજ ચૂંટણી મુકત ન્યાયી અને પવિત્ર રીતે થાય તે માટે લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ ૧૨૯ તથા ૧૩૦ની જોગવાઇ અનુસાર મતદાન મથકોની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલ જાહેર કે ખાનગી સ્થળે ચૂંટણી પ્રચાર કરવા ઉપર છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. 

 જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ મતદાનના દિવસે છોટાઉદેપુર જિલ્લાના તમામ મતદાન મથકોની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં આવેલ જાહેર કે ખાનગી સ્થળે કોઇ પણ વ્યક્તિ ચૂંટણીમાં કોઇ પણ વ્યક્તિને તેનો મત આપવા સમજાવી શકશે નહીં. ચૂંટણીમાં કોઇ પણ વ્યક્તિને તેનો મત ન આપવા માટે સમજાવી શકશે નહિં. ચૂંટણીમાં કોઇ પણ રીતે કોઇ વ્યક્તિના મતદાનને અસર પહોંચાડવાની કોશિશ કરવી નહીં. મત માટે પ્રચાર કરી શકાશે નહીં. કોઇ પણ મતદારને મત આપવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરી શકશે નહીં. અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઇ મતદારને સમજાવવું નહીં. કોઇ પણ મતદારને ચૂંટણીમાં મતદાન ન આપવા માટે સમજાવવું નહીં. 

 ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઇ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી નહીં. મોબાઇલ ફોન, સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરે લઇ જવાની મનાઇ ફરમાવવામાં આવી છે. મતદાન મથકની હદમાં સંબંધિત મતદાર, ઉમેદવાર કે તેના અધિકૃત એજન્ટો, ઉમેદવારોના અધિકૃત પોલીંગ એજન્ટો, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ તથા અધિકારીઓ તથા ચૂંટણી પંચ તરફથી અધિકૃત કરેલ વ્યક્તિઓ સિવાયની વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં. આ આદેશનો ભંગ કરીને જો કોઇ વ્યક્તિ પાસે મોબાઇલ, સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વિગેરે જેવા સાધનો મળી આવશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારીઓ આ સાધન જપ્ત કરી શકશે. 

 કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીઓ મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતિ કર્મચારીઓ તેમની વિધિસર ફરજો બજાવવા સલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ વગેરેનો ઉપયોગ કરી શકશે. મતદાન મથકે નિમવામાં આવેલા કર્મચારીઓ પૈકી ફકત પ્રિસાઇડીંગ ઓફિસર અને ચૂંટણી પંચના નિરીક્ષક/સેકટર ઓફિસર/ માઇક્રોસ્ટેટિક ઓબ્ઝર્વર અથવા જિલ્લા ચૂંટણી અધિકારી કે નગરપાલિકા મતવિભાગના ચૂંટણી અધિકારીએ નિમેલા અધિકારી મતદાન મથકમાં તેમની વિધિસરની ફરજો દરમિયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે. 

 આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનારભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે. 

-----૦-----

મતદાર વિસ્તાર સિવાયના રાજકીય પદાધિકારીઓ અને ચૂંટણી પ્રચારકોએ ૩જી, ડિસેમ્બરના રોજ ૦૫:૦૦ કલાક બાદ છોટાઉદેપુર જિલ્લો છોડી દેવો 

છોટાઉદેપુર: તા. ૦૧: 

 આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના બીજા તબકકા દરમિયાન યોજાનારી છોટાઉદેપુર જિલ્લાની ત્રણ વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા, શાંતિ અને સલામતિ જાળવવા તેમજ ચૂંટણી મુકત, ન્યાયી અને પવિત્ર રીતે થાય તે માટે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૨૬ હેઠળ મતદાન પુરૂં થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા થતા ૪૮ કલાકના સમયગાળામાં ચૂંટણી પ્રચાર બંધ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચારનો સમયગાળો પુરો થાય તે પછી મતદાર વિસ્તાર સિવાયના રાજકીય પદાધિકારીઓ, તથા કાર્યકરો અને ચૂંટણી પ્રચારકોને મતવિસ્તાર છોડી દેવા કહ્યું છે. 

 જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચારના સમયગાળા દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના વિધાનસભા મત વિસ્તારમાં જે તે મતદાર વિસ્તાર સિવાયના બહારના વિસ્તારના રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ અને ચૂંટણી પ્રચારકો આવેલા હોય તેઓએ પ્રચારના અંત એટલે કે તા. ૦૩/૧૨/૨૦૨૨ના રોજ ૦૫:૦૦ વાગ્યા બાદ છોટાઉદેપુર જિલ્લો છોડી જતા રહેવાનું રહેશે. 

 આ જાહેરનામાની અમલવારી સુનિશ્ચિત કરવા છોટાઉદેપુર જિલ્લા પોલીસતંત્ર તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને સાર્વજનિક સભાખંડો, હોટલ, રેસ્ટોરન્ટ, વીશી તા અતિથિગૃહોની ઘનિષ્ઠ તપાસણી કરવા તથા મતદાર વિસ્તારની હદમાં તપાસ નાકા ઉભા કરવા અને બહારથી આવેતા વાહનોનો અવર જવર પર દેખરેખ રાખી, ચૂંટણી પ્રચાર અર્થે બહારથી આવેલા લોકો મતદાર વિભાગમાં રોકાયેલા નહીં હોવાની ખાતરી કરવા માટે જણાવ્યું છે. 

 આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા. ૦૩/૧૨/૨૦૨૨ થી ૦૫/૧૨/૨૦૨૨ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે. 

----૦----

મતદાન મથકના મકાનથી ૨૦૦ મીટર

 ત્રિજયા બહાર ટેબલ ખુરશી ગોઠવી મતદાર ઓળખ કાપલી આપી શકાશે 

છોટાઉદેપુર: તા. ૦૧: 

 આગામી તા. ૦૫મી, ડિસેમ્બરના રોજ છોટાઉદેપુર જિલ્લાના ત્રણ વિધાનસભા બેઠકોનું મતદાન થનાર છે. મતદાનના દિવસે મતદાન મથકના મકાનથી ૨૦૦ મીટર ત્રિજયાની બહાર કોઇ પણ ઉમેદવાર ઇચ્છે તો મતદારોને ઓળખ કાપલી આપવા માટે એક ટેબલ, બે ખુરશી મુકી શકશે એમ છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે. 

 જાહેરનામામાં જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાનના દિવસે રાજકીય પક્ષો તથા હરિફ ઉમેદવારો દ્વારા મતદાન મથકની નજીક મતદાર ઓળખ કાપલી આપવા જાહેર રસ્તાઓ પર ટેબલ ખુરશીઓ મુકવામાં આવે છે. જેનાથી મત આપવા આવતા મતદારો તથા અવર જવર કરતા લોકોને અડચણ કરતા હોય છે. મતદારો સરળતાથી મત આપવા આવી શકે અને પરત જઇ શકે તથા ટ્રાફિકને કોઇ અવરોધ ન થાય વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો તથા તેમના એજન્ટો/કાર્યકરો દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ટેબલ તથા ખુરશીઓ ગોઠવવામાં આવે છે. જેનાથી લોકોમાં હરકત અથવા અગવડ ન થાય તેટલા માટે રસ્તાઓમાં તથા સાર્વજનિક જગા ઉપર કોઇ પ્રકારે રાહદારી તથા મત આપવા જનાર લોકોને અગવડ ઉભી ન થાય તે માટે તેમજ આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેર હિતમાં કેટલાક નિયંત્રણો મુકયા છે. 

 જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી મુકવામાં આવેલા નિયંત્રણો મુજબ મતદાનના દિવસે મતદાન મથકના મકાનથી ૨૦૦ મીટર ત્રિજયા બહાર મતદારોને ઓળખ કાપલીઓ આપવા માટે કોઇ પણ ઉમેદવાર ઇચ્છે તો એક ટેબલ, બે ખુરશીઓ મુકી શકશે. ટેબલ પર છાંયડો કરી શકશે પરંતુ તેને કવર્ડ કરી શકશે નહીં તથા આ ટેબલ પર ઉમેદવાર તથા પક્ષનું નામ અને નિશાન સાથેનું ફકત એક જ બેનર ૩ ફુટ x ૪ ૧/૨ ફુટ સાઇઝનું મુકી શકશે. આવું ટેબલ મુકવા માટે જે તે ઉમેદવારે સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને અગાઉથી મતદાન મથકનું નામ, નંબર અને જે જગ્યાએ ટેબલ મુકવાનું હોય તે જગ્યાનું નામ સાથે જાણ કરવાની રહેશે. અને સ્થાનિક સત્તા મંડળ(નગરપાલિકા, ગ્રામ પંચાયત)ના સક્ષમ અધિકારીની પરવાનગી મેળવી લેવાની રહેશે. મેળવેલ પરવાનગી જયારે કોઇ પણ અધિકારી જોવા માંગે ત્યારે રજૂ કરવાની રહેશે. મંજૂરી મેળવેલ ટેબલ ખુરશી ટ્રાફિકને અવરોધરૂપ ન થાય તે રીતે મુકવાના રહેશે. મત આપીને પરત આવતા મતદારો આ ટેબલ ઉપર એકઠા થઇ શકશે નહીં. 

 આ આદેશ છોટાઉદેપુર જિલ્લો અથવા જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુરની હકુમતના સમગ્ર વિસ્તારમાં તા. ૦૫/૧૨/૨૦૨૨ના રોજ અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર, ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ સજા તથા દંડને પાત્ર થશે એમ જીલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.