પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળની આજુબાજુના 

૫૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને નો ફલાઇંગ ઝોન જાહેર કરાયો

છોટાઉદેપુર: તા. ૩૦: 

 આજે તા. ૧લી, ડિસેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારના સેવાસદનની બાજુના ગ્રાઉન્ડ ખાતે વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રચાર પ્રસાર માટે પધારનાર છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સુરક્ષાની દ્રષ્ટિએ ઝેડ પ્લસ એસ.પી.જી સુરક્ષા ધરાવતા હોઇ પ્રધાનમંત્રીની સલામતિ અને સુરક્ષા વ્યવસ્થા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટ સુશ્રી. સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી બોડેલી ખાતેના કાર્યક્રમ આજુબાજુના ૫૦૦ મીટર વિસ્તારને નો ફલાઇંગ ઝોન જાહેર કર્યો છે. 

 જાહેરનામામાં જણાવ્યા અનુસાર બોડેલી તાલુકા સેવાસદન, પ્રધાનમંત્રીના કાર્યક્રમ સ્થળની ૫૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારને તા. ૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી નો ફલાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કોઇ પણ પ્રકારના ડ્રોન(UAV), ઇલેકટ્રોનિક કે અન્ય હવામાં ઉડી શકે તેવા સાધનોના ઉપયોગ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું તા. ૦૧/૧૨/૨૦૨૨ના રોજ સવારે ૦૬:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે એમ જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે. 

-----૦-----