ગભેણીના આધેડે ભેસ્તાન રેલવે સ્ટેશન નજીક ટ્રેન સામે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. આધેડના ત્રણેય ખીસ્સામાંથી ઘરનો મોબાઈલ નંબર લખેલી કાપલી મળી આવી હતી. જેના આધારે તેમની ઓળખ થઈ હતી. જોકે આધેડે ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી.
ગભેણી ટેકરા ફળીયા ખાતે રહેતા હરિશભાઈ ચીમુભાઈ ખલાસી(49)ડાઈંગ હાઉસમાં નોકરી કરતા હતા. સોમવારે તેઓ ઘરેથી નીકળ્યા હતા અને બપોરે 3 વાગ્યાના અરસામાં ભેસ્તાન રેલવે સ્ટેશન પાસે ઈન્દોર હમસફર એક્સપ્રેસ ટ્રેનની સામે પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. ટ્રેનના ડ્રાઈવરે જાણ કરતા રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી.
મૃતક હરિશભાઈના ત્રણે ખીસ્સામાંથી કાગળની કાપલીઓ મળી આવી હતી. જેમાં ઘરનો મોબાઈલ નંબર લખેલો હતો. આ નંબર પર પોલીસે પરિવારનો સંપર્ક કર્યા બાદ મૃતકની ઓળખ થતા પોલીસે પરિવારના સભ્યોની પુછપરછ સાથે તપાસ શરૂ કરી હતી. જોકે હરિશભાઈએ ક્યાં કારણસર આપઘાતનું પગલું ભર્યું તે પોલીસ જાણી શકી ન હતી. હરિશભાઈને સંતાનમાં ત્રણ પુત્ર છે. જે પૈકી એક પુત્ર વિદેશમાં રહે છે જ્યારે બે પુત્રો સુરત રહે છે અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે છે.