ડીસા તાલુકાના રાણપુર ગામે રહેતા ભરતભાઈ પ્રજાપતિની ત્રણ વર્ષની દીકરી રૂચિતા આજ થી બે મહિના અગાઉ ખેતરમાં રમતી હતી અને ખેતરમાં મશીન દ્વારા બાજરી વાઢવાનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે આ ત્રણ વર્ષની માસુમ દીકરી રમતા-રમતા તેના બે પગ બાજરી વાઢવાના મશીનમાં આવી જતા બંને પગ કપાઇ ગયા હતા. જેથી તેમના પરિવાર દ્વારા તાત્કાલિક સારવાર માટે ડીસા લાવવામાં આવી હતી. જો કે, આ પરિવાર પાસે બાળકીને આગળ સારવાર માટે લઈ જવાના પૈસા ન હોવાથી પરિવાર ચિંતિત બની ગયો હતો.

જેની જાણ ડીસામાં કાર્યરત સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપના સભ્યોને થતા તેઓ તુરંત આ બાળકીના પરિવાર પાસે દોડી આવ્યા હતા અને બાળકીને ડીસાથી વધુ સારવાર માટે અમદાવાદની નામાંકિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં બાળકીની બે મહિના સુધી સારવાર ચાલ્યા બાદ બંને પગની સફળ સર્જરી કરવામાં આવી હતી અને શનિવારે બાળકી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતા તેને રજા અપાઈ છે. આ બાળકીની સારવાર પાછળ રૂ. 8 લાખથી વધુનો ખર્ચ થવા પામ્યો છે અને આ તમામ ખર્ચ સેવન સ્ટાર ફાઉન્ડેશન ગ્રુપના સભ્યોએ સોશિયલ મીડિયાના માધ્યમથી એકત્ર કર્યો છે. જેથી બાળકીના પરિવારના સભ્યોએ પણ સેવન સ્ટાર ગ્રુપના સભ્યોનો આભાર માન્યો હતો.